Site icon Revoi.in

કોરોનાના કેસમાં ફરીથી વધારો થતા PM મોદીએ ચિંતાવ્યક્ત કરી, રાજ્યોને એલર્ટ રહેવા તાકીદ

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન બીજી તરફ કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ ફરીથી હરકતમાં આવ્યું છે. તેમજ કોરોનાની સંભવિત ચોથી લહેરને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તમામ મુખ્યમંત્રી સાથે કોરોનાના વધતા કેસ અંગે બેઠક કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક રાજ્યોમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને ચિંતા વ્યક્ત કરીને તમામ રાજ્યોને એલર્ટ રહેવા તાકીદ કરી હતી.

પીએમ મોદીએ કહ્યું કે દરેક ભારતીય માટે ગર્વની વાત છે કે આ પ્રકારની રસી ઉપલબ્ધ છે. લાંબા સમય બાદ શાળા ખુલી છે, ત્યારબાદ કોરોનાના કેસ વધ્યા છે. બાળકોમાં કોરોનાના કેસ આવી રહ્યા છે. પરંતુ હવે બાળકોને પણ રસી આપવામાં આવી રહી છે. તમામ પાત્રતા ધરાવતા બાળકોને રસી એ આપણી પ્રાથમિકતા છે, જેના માટે સ્કૂલમાં ખાસ ડ્રાઈવ પણ કરવી પડશે. શિક્ષકો અને પરિવારના સભ્યોએ પણ આ માટે તૈયાર રહેવું પડશે. ત્રીજી લહેરમાં કોરોનાના વધતા કેસ જોવા મળ્યા છે તેમ છતા અસરકારક કામગીરીથી તેની ઉપર નિયંત્રણ મેળવ્યો હતો.

પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં આ 24મી બેઠક છે. યુરોપના ઘણા દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટના કેસ સામે આવી રહ્યાં છે. ભારતમાં હાલ કોરોનાના કેસ ખુબ ઓછા છે પરંતુ કેટલાક રાજ્યોમાં ફરીથી કોરોના કેસમાં વધારે થઈ રહ્યો છે. જેથી આપણે એલર્ટ રહેવાની જરૂર છે.  રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની ઉચ્ચસ્તરીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કોરોનાના વધતા જતા કેસો અંગે ચેતવણી આપી અને સતર્ક રહેવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હવે 6 થી 12 વર્ષના બાળકોને પણ રસી આપવામાં આવી રહી છે. સાવધાની છતાં કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ વધ્યા છે. તેથી તેનો ભય હજુ દૂર થયો નથી.