Site icon Revoi.in

પાવાગઢના મહાકાળી મંદિરની કાયાપલટ, સોનાથી મઢેલા શિખર પર ધ્વજા ચડાવશે PM મોદી

Social Share

વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.18મીને શનિવારના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન વડોદરાની મુલાકાત લીધા બાદ યાત્રાધામ પાવગઢ ખાતે પહોંચશે. સુપ્રસિદ્ધ પાવાગઢના મહાકાળી માતાજીના મંદિરના કળશ, ધ્વજા દંડ અને ગર્ભગૃહને સુવર્ણ જડિત કરાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી જૂને પાવાગઢ નિજ મંદિરના સ્વર્ણ જડિત શિખર અને ધ્વજા દંડ પર ધ્વજારોહણ કરશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના મહાકાળી માતાજીના મંદિરમાં  ધ્વજારોહણને ખૂબ જ ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે. કારણ કે અગાઉ જે જૂનું ઐતિહાસિક મંદિર હતું, તેનું શિખર ખંડિત હતું. જેના કારણે તેની પર લગભગ 450 વર્ષોથી ધ્વજારોહણ કરી શકાતું નહોતું. પરંતુ હવે જ્યારે આખા મંદિરનું નવીનીકરણ થઈ જતા હવે સ્વર્ણ જડિત ધ્વજદંડ પર વડાપ્રધાન મોદીના હસ્તે ધ્વજાજી બિરાજમાન થશે.

પાવાગઢ મંદિર ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે, મંદિરના  શિખર જર્જરિત થઈ જવાથી સદીઓથી પાવાગઢ મંદિર પર ધજા ચઢી ન હતી. ત્યારે વર્ષો બાદ ધજા ચઢાવનાર પીએમ મોદી પહેલા વ્યક્તિ બનશે. હાલ ધ્વજદંડ લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સદીઓ બાદ પહેલીવાર પાવાગઢમાં ખાસ નજારો જોવા મળ્યો છે. મંદિરનુ જીર્ણોદ્વાર કાર્ય પૂર્ણ થઈ ગયુ છે. સાથે જ તેને સુવર્ણ કળશથી સુશોભિત શિખરબંધ મંદિર જોવા મળી રહ્યુ છે. નિજ મંદિર પણ સુવર્ણજડિત બનાવાયુ છે.  વડાપ્રધાન મોદી 18 જૂનના રોજ પાવાગઢના આગણે પધારશે. તેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સાથે જ આતંકી એલર્ટ હોવાથી બંદોબસ્તમાં ખાસ ધ્યાન રાખવામાં આવશે. વડાપ્રધાનને મંદિર સુધી પહોંચાડવા વડા તળાવ પાસે હેલિપેડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. રાજ્ય સરકારના અધિકારીઓએ પણ પાવાગઢની મુલાકાત લઈને વડાપ્રધાનના આગમનની તૈયારીઓની સમિક્ષા કરી હતી.

Exit mobile version