નવી દિલ્હી, 15 જૂન 2026: વિશ્વના અર્થતંત્ર પર મંડરાતા જોખમ વચ્ચે આખરે 107 દિવસ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી પર સહમતી સધાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક ડીલનું સ્વાગત કરતા જણાવ્યું છે કે, આ સમજૂતીથી પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત થશે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, “અમેરિકા-ઈરાન સંઘર્ષને કારણે વિશ્વમાં ભારે આર્થિક ઉથલપાથલ સર્જાઈ હતી. આ ડીલથી વૈશ્વિક વેપાર અને દરિયાઈ માર્ગે અવરજવરની સ્વતંત્રતા સુનિશ્ચિત થશે.” તેમણે આશા વ્યક્ત કરી હતી કે વાતચીત દ્વારા આ મુદ્દે કાયમી ઉકેલ આવશે.
અમેરિકા અને ઈરાન વચ્ચે કુલ 14 મહત્વના મુદ્દાઓ પર સહમતી બની છે. આ કરાર પર આગામી 19 જૂને જીનીવામાં સત્તાવાર હસ્તાક્ષર કરવામાં આવશે, જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહી શકે છે. ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા એપ ‘ટ્રુથ સોશિયલ’ પર આ અંગે જાહેરાત કરતા જણાવ્યું કે, હોર્મુઝ જલડમરુમધ્યમાંથી અમેરિકી નાકાબંધી તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવશે અને આ દરિયાઈ માર્ગને વેપાર માટે સંપૂર્ણપણે ખોલી દેવામાં આવશે.
અમેરિકા અને ઈરાન વચ્ચે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધને કારણે વિશ્વભરમાં તેલ અને ગેસના ભાવમાં તોતિંગ વધારો થયો હતો. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આ યુદ્ધને કારણે હોર્મુઝમાં અત્યારે પણ 600 જેટલા મોટા જહાજો ફસાયેલા છે, જેમાં ભારતની માલિકીના આશરે 13 જહાજોનો સમાવેશ થાય છે. આ સમજૂતીથી ફસાયેલા જહાજોને મુક્તિ મળશે અને વૈશ્વિક સપ્લાય ચેઈન ફરી વેગવંતી બનશે. હાલમાં આ શાંતિ સમજૂતીને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વએ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે આ કરારથી ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાની અને આંતરરાષ્ટ્રીય વેપાર સુરક્ષિત થવાની પૂરેપૂરી શક્યતા છે.

