અમદાવાદઃ શહેરમાં મેટ્રો રેલ ફેઈઝ-1નું કામ પૂર્ણ થઈ ગયું છે. અને સફળતાપૂર્વક ટ્રાયલ રન પણ પૂર્ણ થઈ ગયો છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.30મી સપ્ટેમ્બરને શુક્રવારના રોજ થલતેજથી વસ્ત્રાલ સુધીની મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપીને લોકાપર્ણ કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટના ફેઝ-1માં પૂર્વથી પશ્ચિમ છેડાને જોડતા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના રૂટની મેટ્રો ટ્રેનનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પાંચમા નોરતાએ એટલે કે 30મી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. હેલ્મેટ સર્કલ પાસેથી વડાપ્રધાન દ્વારા ટ્રેનને લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવવામાં આવશે. ત્યાર બાદ થલતેજમાં આવેલા દૂરદર્શન પાસેના ગ્રાઉન્ડમાં જાહેર સભાને વડાપ્રધાન સંબોધન કરશે. વડાપ્રધાન મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરે એવી પણ શક્યતા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બર એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે ઘણા સમયથી અમદાવાદના શહેરીજનો જેની રાહ જોઈ રહ્યા છે, એવી મેટ્રો ટ્રેનની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં મેટ્રો ટ્રેનની શરૂઆત થાય તેની શક્યતાઓ જણાતી હતી એની વચ્ચે 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થલતેજથી વસ્ત્રાલ ગામના કોરિડોર પર મેટ્રો ટ્રેનની શરૂઆત કરાવશે. મેટ્રો ટ્રેનના શુભારંભને લઈ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
મેટ્રોરેલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં દોડનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે, જે થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે, જેમાં 17 સ્ટેશન છે. ઉત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો રહેશે, જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે. 21 કિલોમીટર લાંબા આ કોરિડોરની ખાસિયત એ છે કે, મેટ્રો ટ્રેન નદીની પરથી પસાર થાય છે અને શહેરના ભૂગર્ભમાંથી પણ પસાર થાય છે. શહેરના ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ કાંકરિયા પૂર્વમાં બહાર નીકળશે. મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. હાલના સમયમાં જો વાહન લઈને શાહપુરથી કાંકરિયા જવું હોય તો દિલ્હી દરવાજા, કાલુપુર, સારંગપુર અને કાંકરિયા ઝૂ તરફ જતાં 30 મિનિટ થાય, પરંતુ મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસ દરમિયાન સુરતની મુલાકાત લેશે. પીએમ મોદી 29 સપ્ટેમ્બરે સુરત આવશે. સુરત ખાતે સુરત મહાનગરપાલિકા તથા સુરત જિલ્લાના તેમજ કેન્દ્ર સરકારના અનેકવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કરશે.