Site icon Revoi.in

પીએમ મોદી આજે લખનઉમાં ન્યુ અર્બન ઇન્ડિયા કાર્યક્રમનું ઉદ્દઘાટન કરશે

Social Share

લખનઉ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી ઑક્ટોબર 2021ના રોજ સવારે 10:30 કલાકે ઉત્તર પ્રદેશના લખનઉમાં ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે ‘આઝાદી@75- નૂતન શહેરી ભારત: શહેરી દ્રશ્યપટનું થઈ રહેલું રૂપાંતર’ પરિષદ-કમ એક્સ્પોનું ઉદઘાટન કરશે.

વડાપ્રધાન ઉત્તર પ્રદેશના 75 જિલ્લાઓમાં 75000 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીના આવાસોની ચાવી ડિજિટલી સુપરત કરશે અને ઉત્તર પ્રદેશમાં આ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ પણ કરશે. તેઓ સ્માર્ટ સિટીઝ મિશન અને અમૃત હેઠળ ઉત્તર પ્રદેશની 75 શહેરી વિકાસની પરિયોજનાઓનું ઉદઘાટન/ભૂમિપૂજન કરશે. લખનઉ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ, ગોરખપુર, ઝાંસી અને ગાઝિયાબાદ સહિત સાત શહેરો માટે ફેમ-2 હેઠળ 75 બસોને લીલી ઝંડી આપશે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના વિવિધ મુખ્ય મિશનો હેઠળ અમલી કરાયેલ 75 પરિયોજનાઓને સમાવતી એક કૉફી ટેબલ બૂકનું વિમોચન કરશે. તેઓ એક્સ્પોમાં સ્થપાઈ રહેલ ત્રણ પ્રદર્શનોની મુલાકાત પણ લેશે. વડાપ્રધાન લખનઉમાં બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં અટલ બિહારી વાજપેયી પીઠની સ્થાપનાની જાહેરાત પણ કરશે.

આ અવસરે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને મુખ્ય મંત્રીની સાથે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી ઉપસ્થિત રહેશે.

કૉન્ફરન્સ-કમ એક્સ્પો વિશે

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આ કૉન્ફરન્સ-કમ-એક્સ્પોનું આયોજન 5 મી થી 7 મી ઑક્ટોબર, 2021 દરમ્યાન થઈ રહ્યું છે. તેનો થીમ ઉત્તર પ્રદેશમાં લવાયેલા રૂપ-દેખાવના ફેરફારો પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને શહેરી દ્રશ્યપટના થઈ રહેલા રૂપાંતર પર છે. આ કૉન્ફરન્સ-કમ-એક્સ્પોમાં તમામ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો ભાગ લેશે જે વધુ પગલાં માટે અનુભવની વહેંચણી, પ્રતિબદ્ધતા અને દિશામાં મદદરૂપ થશે.

પરિષદ-કમ-પ્રદર્શનમાં ત્રણ પ્રદર્શનો સ્થપાઇ રહ્યા છે જે આ મુજબ છે:

  1. ‘ન્યુ અર્બન ઇન્ડિયા’ (નૂતન શહેરી ભારત)ના શીર્ષક હેઠળ રૂપાંતરિત શહેરી મિશનોની સિદ્ધિઓ અને ભાવિ યોજનાઓને દર્શાવાશે. મુખ્ય-ફ્લેગશિપ અર્બન મિશન હેઠળની છેલ્લા સાત વર્ષોની સિદ્ધિઓ એ ઉજાગર કરશે અને ભાવિ માટેનાં આલેખનો પ્રદર્શિત કરશે.
  2. ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચૅલેન્જ-ઇન્ડિયા (જીએચટીસી-ઇન્ડિયા) હેઠળઘરઆંગણે સ્વદેશી રીતે વિક્સાવાયેલી અને નવીન બાંધકામ ટેકનોલોજીઓ, સામગ્રીઓ અને પ્રક્રિયાઓ સાથેનું 75 નવીન પ્રકારની બાંધકામની ટેકનોલોજીઓ પરનું ‘ઇન્ડિયા હાઉસિંગ ટેકનોલોજી મેલા’ (આઈએચટીએમ)ના નામે પ્રદર્શન.
  3. ફ્લેગશિપ અર્બન મિશનો હેઠળ 2017 બાદ ઉત્તર પ્રદેશના દેખાવને પ્રદર્શિત કરતું પ્રદર્શન અને યુપી@75: ઉત્તર પ્રદેશમાં શહેરી દ્રશ્યપટની થઈ રહેલી કાયાપલટ’ એ થીમ પર ભાવિ આલેખનો રજૂ થશે.

આ પ્રદર્શન કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના વિવિધ મુખ્ય શહેરી મિશનો હેઠળ અત્યાર સુધીની સિદ્ધિઓ રજૂ કરશે. પ્રદર્શનોનાં વિષયો સ્વચ્છ શહેરી ભારત, જળ સલામત શહેરો, તમામને આવાસ, બાંધકામ ટેકનોલોજીઓ, સ્માર્ટ સિટી વિકાસ, ટકાઉ મૉબિલિટી અને આજીવિકાની તકોને ઉત્તેજન આપતા શહેરો છે.

આ પરિષદ-કમ-પ્રદર્શન જાહેર જનતા માટે બે દિવસ- છઠ્ઠીથી સાતમી ઑક્ટોબર 2021 માટે ખુલ્લું  રહેશે.