Site icon Revoi.in

મધ્યપ્રદેશમાં પોલીસની સંવેદના, સાઈકલ પર ભોજનની ડિલીવરી કરતા યુવાનને બાઈક અપાવી

Social Share

ભોપાલઃ દેશમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી નિભાવતી પોલીસનું આરોપીઓ સામેની આકરા વલણને કારણે લોકો પોલીસના નામથી પણ ડરે છે. જો કે, લોકોની સેવામાં 24*7 કાર્યરત રહેતી પોલીસ સામાન્ય જનતા સાથે મૈત્રી ભર્યું વર્તન કરે છે. દરમિયાન મધ્યપ્રદેશના ઈંદોરમાં ફૂડ ડિલિવરી કંપનીમાં કામ કરતો 22 વર્ષિય યુવાન સાઈકલ ઉપર લોકોના ઘરે ભોજનની ડિલિવરી કરતો હતો. આ ડિલિવરી માટે પોલીસ કર્મચારીઓ દેવદુત બન્યાં છે. પોલીસ કર્મચારીઓએ તેને એક મોટરસાઈકલ લઈ આપી છે. જેથી ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં યુવાન સાઈકલને બદલે મોટરસાઈકલ ઉપર ફુડની ડિલીવરી કરી શકે. બાઈકનું ડાઉન પેમેન્ટ ભરવા માટે પોલીસ કર્મચારીઓએ ફંડ એકત્ર કર્યું હતું. આમ ગુનેગારો સામે આકરુ વલણ અપનાવતા પોલીસ કર્મચારી માનવી સંવેદનાઓને પણ એટલું મહત્વ આપે છે.

વિજયનગર પોલીસ સ્ટેશનના અધિકારી તહઝીબ કાઝીએ જણાવ્યું હતું કે, તેણે તાજેતરમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન જોયું કે પરસેવાથી લથબથ જય હલ્દે નામનો યુવાન સાઈકલ ઉપર ભોજનના પાર્સલ આપવા જાય છે. જેથી તેની સાથે વાત કરતા ખબરત પડી કે, આર્થિક સમસ્યાઓથી ઝઝૂમી રહેલા પરિવારનો છે અને તેની પાસે મોટરસાઇકલ ખરીદવા માટે પૈસા નથી.

તેમણે વધુમાં કહ્યું કે, વિજયનગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ નાણા એકત્ર કર્યાં હતા અને શહેરના એક વાહન ડીલરને ડાઉન પેમેન્ટ કર્યું હતું અને જયને મોટરસાઈકલ અપાવી હતી. જો કે, સ્વાભિમાની યુવકે પોલીસને કહ્યું છે કે તે મોટરસાઈકલના બાકીના હપ્તા જાતે જ જમા કરશે. યુવાનની આ વાત સાંભળીને તથા તેની ખુશી જોઈને પોલીસ કર્મચારીઓની આંખોમાં પણ ખુશીના આંસુ આવી ગયા હતા. મોટરસાઇકલ માટે પોલીસનો આભાર વ્યક્ત કરતાં હલ્દેએ કહ્યું, “પહેલાં હું દરરોજ રાત્રે સાઇકલ દ્વારા માત્ર છથી આઠ પાર્સલ ખાવાનું લોકોના ઘર સુધી પહોંચાડી શકતો હતો પરંતુ હવે  મોટરસાઇકલ દ્વારા દરરોજ રાત્રે 15 થી 20 ખાદ્યપદાર્થોના પાર્સલ લઇ જઉં છું.”