Site icon Revoi.in

બિહારઃ લઠ્ઠાકાંડ બાદ સફાળી જાગેલી પોલીસના 749 સ્થળો ઉપર દરોડા, 19 હજાર લીટર દારૂનો જથ્થો જપ્ત

Social Share

દિલ્હીઃ બિહારના ગોપાલગંજ, બેતિયા અને સમસ્તીપુરમાં ઝેરી દારૂ પીધા બાદ 40 વ્યક્તિઓના મોત થતા હરકતમાં આવેલી પોલીસે દારૂનો વ્યવસાય કરતા લોકો સામે કાર્યવાહી તેજ કરી છે. બીજી તરફ નીતિશ કુમારે 16મી નવેમ્બરના રોજ દારૂબંધીના અમલને લઈને સમીક્ષા બેઠક બોલાવી છે. બીજી તરફ પોલીસે દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. દારૂની ગેરકાયદે ભઠ્ઠીઓ તોડવામાં આવી રહી છે.

પોલીસે 24 કલાકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અભિયાન ચલાવીને દેશી દારૂની 19 ભઠ્ઠીઓનો નાશ કરવામાં આવ્યો છે. મુઝફ્ફરપુર, ગોપાલગંજ, બેતિયા અને સમસ્તીપુરમાં સૌથી વધારે ભઠ્ઠીઓનો નાસ કરવામાં આવ્યો છે. લઠ્ઠાકાંડની સૌથી વધારે અસર આ જ જિલ્લાઓમાં જોવા મળી હતી. ચાર જિલ્લાઓમાં 19 હજાર લીટરથી વધારે દેશી-વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે 749 સ્થળ પર દરોડા પાડીને 568 લોકોને ઝડપી લીધા છે. આ દરમિયાન 15 હજારથી વધારે લીટર વિદેશી દારૂ અને 3435 લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે 347 જેટલા કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. દારૂની હેરાફેરી બદલ 71 વાહનો જપ્ત કરાયાં છે. તેમજ રૂ. આઠ લાખથી વધારેની રકમ જપ્ત કરાઈ છે. પોલીસે સૌથી વધારે દારૂનો જથ્થો મુઝપ્પરપુર જિલ્લામાંથી ઝડપી લેવાયો છે. આ જિલ્લામાંથી 16 હજાર લીટર દારૂ જપ્ત કરાયો છે. પોલીસે 166 સ્થળો ઉપર દરોડા પાડીને 254 લોકોની ધરપકડ કરાઈ હતી. ગોપાલગંજ જિલ્લામાં પોલીસે સૌથી વધારે 376 સ્થળો ઉપર દરોડા પાડીને 164 લોકોની ધરપકડ કરીને 1700 લીટર દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. બેતિયામાં 177 સ્થળો ઉપર પોલીસે છાપો મારીને 850 લીટર દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આવી જ રીતે સમસ્તીપુરમાં 32 સ્થળો ઉપર દરોડા પાડીને 410 લીટર દારૂનો જથ્થો અને 465 લીટર સ્પ્રિટ જપ્ત કરવામાં આવ્યું હતું.