Site icon Revoi.in

મહારાષ્ટ્રમાંથી કુખ્યાત નક્સલવાદીને ઝડપી લેવામાં પોલીસને મળી સફળતા

Social Share

મુંબઈઃ દેશમાં આતંકવાદીઓ અને નકસલવાદીઓને સામે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન મહારાષ્ટ્રના ગઢચિરોલીમાંથી પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ટીમે એક કુખ્યાત નક્સલવાદીને ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. આ નક્સલવાદી ઉપર સરકારે રૂ. 2 લાખનું ઈનામ જાહેર કર્યો હતો. આરોપી પ્રતિબંધિત ચળવળ ‘ગટ્ટા દલમ’ની સ્વ-ઘોષિત 14મી પ્લાટૂન સાથે સંકળાયેલો હતો. પોલીસે નક્સલવાદીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

ગઢચિરોલીના પોલીસ અધિક્ષક અંકિત ગોયલે જણાવ્યું હતું કે નક્સલવાદી નરોટેને ગઢચિરોલી પોલીસ અને CRPF દ્વારા ઇટાપલીના પોમકે ગટ્ટાથી સંયુક્ત ઓપરેશનમાં પકડવામાં આવ્યો હતો. ઈનામી નક્સલી 16 ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો. જેમાં છ હત્યા, ચાર એન્કાઉન્ટર, બે લૂંટ, ત્રણ આગચંપી અને એક અપહરણનો સમાવેશ થાય છે. સુરક્ષા એજન્સીઓએ આ વિસ્તારમાં નક્સલ વિરોધી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

સીઆરપીએફના જવાનો સાથેના સંયુક્ત ઓપરેશનમાં, પોલીસ ટીમે નક્સલવાદી કરણ ઉર્ફે દુલસા નરોટેની ધરપકડ કરી હતી, જેના પર બે લાખ રૂપિયાનું ઈનામ હતું. ગઢચિરોલીમાં નક્સલવાદીઓનો આતંક યથાવત છે. બે દિવસ પહેલા નક્સલવાદીઓએ ભામરાગઢ વન વિભાગની ઝામ્બિયા ગટ્ટા ઓફિસમાં કામ કરતા બે ફોરેસ્ટ ગાર્ડને નિર્દયતાથી માર માર્યો હતો. આ બનાવથી વનવિભાગમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં ઘાયલ થયેલા વન રક્ષકોના નામ જાગેશ્વર અને માધવ સુરગાયે જણાવવામાં આવી રહ્યા છે.