Site icon Revoi.in

રાજકારણ: શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ફરીવાર કર્યા પીએમ મોદીના વખાણ

Social Share

મુંબઈ: મહારાષ્ટ્રમાં રાજકારણની રમત છેલ્લા કેટલાક દિવસથી તેજ બની હોય તેવું વર્તાય રહ્યું છે. શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના સીએમ દ્વારા પીએમ મોદીના વખાણ અને હવે શિવસેનાના પ્રમુખ સંજય રાઉત દ્વારા પીએમ મોદીના વખાણ કરવામાં આવ્યા છે જેને લઈને રાજકીય જાણકાર લોકો મત વ્યક્ત કરી રહ્યા છે કે ભાજપ અને શિવસેના વચ્ચે અંતર ઘટી રહ્યું છે.

શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ફરી એક વખત આજે પીએમ મોદીના ભરપૂર વખાણ કર્યા છે અને કહ્યું કે પીએમ મોદી સામે વિપક્ષ પાસે કોઈ ચહેરો નથી. મારુ માનવું છે કે, નરેન્દ્ર મોદી દેશ અને ભાજપના ટોચના નેતા છે અને આ વાતને કોઈ નકારી શકે તેમ નથી. છેલ્લા સાત વર્ષમાં ભાજપને જે પણ સફળતા મળી છે તે માત્ર નરેન્દ્ર મોદીના કારણે છે.

જો કે આગળ વધારે ઉમેરતા સંજય રાઉતે જણાવ્યું કે જ્યાં સુધી વિપક્ષ પાસે પીએમ મોદીનો સામનો કરવા માટે કોઈ યોગ્ય ચહેરો નહીં હોય ત્યાં સુધી વિપક્ષ માટે કોઈ ચાન્સ નથી. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે,પીએમ મોદીનો મુકાબલો કરવા માટે એનસીપી પ્રમુખ શરદ પવાર સૌથી શ્રેષ્ઠ ઉમેદવાર છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી પ્રશાંત કિશોર 2024ની ચૂંટણી માટે ભાજપ સામે તમામ વિપક્ષને એક મંચ પર લાવવા માંગે છે ત્યારે જ સંજય રાઉતનુ નિવેદન આવ્યુ છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ 2024માં એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી ચુકી છે.