Site icon Revoi.in

કોરોનાને લીધે રાજકોટમાં આવાસ યોજનાને નબળો પ્રતિસાદઃ 4171 ફ્લેટ્સ માટે માત્ર 500 ફોર્મ જ ભરાયા

Social Share

રાજકોટઃ સહેરમાં કોરોનાના કેસ વધતા જાય છે. સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. અને હજુ પણ કોઇ રાહત નજીકમાં દેખાતી નથી ત્યારે વેપાર ધંધા સહિતની તમામ આર્થિક પ્રવૃતિઓને બ્રેક લાગી ગઇ છે. ગત વર્ષે આ જ સમયે સત્તાવાર લોકડાઉનમાં લોકોની આર્થિક હાલત લથડી હતી તેનાથી પણ વધુ ભય લોકોમાં આજે બેસી ગયો છે. આ સંજોગોમાં સરકાર અને કોર્પો.ની ઘરના ઘરની આવાસ યોજના માટે ફોર્મ ભરવા લાઇન લગાવતા લોકો પણ મુડી સાચવીને બેસી ગયા હોય તેવું લાગે છે. કારણ કે કુલ 4171 ફલેટ માટે ફોર્મ ભરવાની મુદત પુરી થવા આવી છતાં માત્ર 500 ફોર્મ ભરાઇને આવતા આ યોજનામાં એક મહિનાનો વધારો કરવાની તંત્રએ જાહેરાત કરી છે. જુદી જુદી કેટેગરીના રૂા. 3 લાખથી માંડી 24 લાખ સુધીના ફલેટમાં આસામીઓને ખુબ ઓછો રસ પડયો છે.

રાજકોટમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે ઘરના ઘરની યોજના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ યોજનાને ખૂબજ નબળો પ્રતિસાદ મળ્યો છે. નાના બજેટના આવાસમાં રસ લેતા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો કોરોનાની આફતમાં હાથ પર નાણા રાખવા માંગે છે તેવું સમજાય છે. અત્યાર સુધીમાં 3500 ફોર્મ ઉપડવા સામે તા.30ના રોજ પુરી થતી મુદ્દત પૂર્વે માત્ર 500 ફોર્મ ભરાઇને આવ્યા છે જેમાં રૂા.24 લાખના ફલેટમાં તો મોટા ભાગે કોઇ રસ લેતુ નથી. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઇડબલ્યુએસ-1 ના 1648 અને ઇડબલ્યુએસ-2ના 1676 તથા એમઆઇજીના 847 મળી કુલ 4171 આવાસોનાં બાંધકામની કામગીરી ચાલુ છે. આ આવાસોનું ફોર્મ વિતરણ તથા ભરીને પરત આપવા માટે તા.5/4 થી તા.30/4 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. હાલમાં કોરોનાના કેસો ખુબ જ વધી રહ્યા છે.

જેને ધ્યાનમાં રાખી લોકો આવાસ યોજનાનો લાભ લઇ શકે તે માટે આવાસના ફોર્મ મેળવવા અને પરત કરવા અગામી તા.31/પ સુધીનો મુદત વધારો આપવામાં આવેલ છે.