Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં પોસ્ટ કચેરીઓમાં ટપાલ ટિકિટની અછત, ફ્રેન્કિંગ મશીન પણ ચાલતા નથી,

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં પોસ્ટ ઓફિસમાં ટપાલ ટિકિટની અછત સર્જાતા લોકો પરેશાન થઈ રહ્યા છે. ઘણી પોસ્ટ ઓફિસમાં ફ્રેન્કિંગ મશીનો પણ ચાલતા નથી.આથી લોકોને ટપાલ, પરબિડિયા કે પાર્સલો મોકલવામાં મુશ્કેલી પડી રહી છે. નાસિકથી ટપાલ ટિકિટોનો જથ્થો ન આવતા પોસ્ટ વિભાગના કર્મચારીઓ પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. જો કે  એક અઠવાડિયામાં ટપાલ ટિકિટની અછતની સમસ્યા દૂર થઈ જશે. એવું પોસ્ટ વિભાગના કર્મચારીઓ કહી રહ્યા છે. પોસ્ટ ઓફીસ ખાતે ગ્રાહકો કુરિયર, પત્ર, પાર્સલને પોસ્ટ કરતી વખતે 25 પૈસા, 50 પૈસા, રૂ.1, 2, 3, 4, 5, 10ની ટિકિટ માગે ત્યારે ટિકિટ નથી તેવો જવાબ મળતાં લોકોને  પાર્સલ મોકલવામાં મુશ્કેલી પડી રહી છે. પોસ્ટની ટિકિટ વિના કોઈ પણ પાર્સલ કે પત્ર મોકલી શકતું નથી. લોકો દ્વારા પોસ્ટ વિભાગ વહેલી તકે ટિકિટની સમસ્યા દૂર કરે તેવી માંગણી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રની મોટાભાગની ટપાલ કચેરીઓમાં ટપાલ ટિકિટની એકાએક અછત સર્જાતા ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રની પોસ્ટ ઓફિસમાં ટપાલ ટિકિટ લેવા માટે લોકો ધક્કા ખાઈ રહ્યા છે.નાસિક છપાતી ટિકિટ હાલ આવી રહી નથી અને ફ્રેન્કિંગ મશીનમાં પણ ખામી સર્જાતા સાદી ટપાલ મોકલવા માંગતા ગ્રાહકો માટે મુશ્કેલી ઊભી થઈ છે. પોસ્ટ ઓફીસમાં ટપાલ ટિકિટ ઘણા સમયથી ન મળતા સ્થાનિક નાગરિકો અને કંપનીના કર્મચારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કેટલાક પોસ્ટ માસ્તરો દ્વારા અન્ય કચેરીઓથી ટિકિટો મંગાવી હતી પણ હવે અન્ય કચેરીઓમાં પણ ટિકિટનો સ્ટોક ખલાસ થઈ ગયો છે. નાગરિકો કહી રહ્યા છે. કે, ઘણા સમયથી 25 પૈસા, 50 પૈસા, રૂ.1, 2, 3, 4, 5, 10ની ટિકિટ મળતી નથી.

રાજકોટ હેડ પોસ્ટ ઓફિસના સિનિયર અધિકારીના કહેવા મુજબ  રાજકોટમાં પોસ્ટ ઓફીસ મારફત સાદી ટપાલ મોકલવા માટેની ટિકિટની અછત સર્જાઈ છે. નાસિકમાં છપાતી ટિકિટ ન આવતા અમદાવાદથી ટપાલ ટિકિટ મંગાવવી પડે છે. દરમિયાન ફ્રેન્કીંગ મશીનમાં પણ ખામી સર્જાતા સાદી ટપાલ રાજકોટ પોસ્ટ ઓફિસથી અન્ય જગ્યાએ મોકલી શકાતી નથી. જોકે એક અઠવાડિયામાં ગ્રાહકોની સમસ્યા દૂર થઈ જશે.