Site icon Revoi.in

ભાવનગરના 20 ટકા વાડી વિસ્તારમાં વાવાઝોડાના દોઢ મહિના બાદ હજુ વીજ પુરવઠો પૂર્વવત થયો નથી

Social Share

ભાવનગર: તૌકતે વાવાઝોડાના દોઢ મહિના બાદ પણ ભાવનગર  જિલ્લાના 20 ટકા વાડી વિસ્તારમાં અંધારપટ છવાયેલો છે. ખેતી વાડી વિસ્તારમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં વીજ વિભાગ નિષ્ફળ નિવડયું છે. જિલ્લાના સિહોર તાલુકાના દસથી વધુ ગામોના વાડી વિસ્તારમાં હજુ સુધી વીજ જોડાણ પુનઃ શરૂ નહિ થતાં ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે.

ભાવનગર  જિલ્લાના અનેક તાલુકા વિસ્તારના ખેતીવાડી વિસ્તારોમાં હજુ સુધી વીજ પુરવઠો શરૂ કરવામાં વીજ કંપની ને વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સિહોર તાલુકાના અગીયાળી, દેવગાણા, તરકપાલડી, ખોખરા, રબારીકા, રાલનપર, બોરડી અને જાંબાળા ગ્રામ્ય પંથક ના વાડી વિસ્તારમાં હજુ પણ અંધારપટ યથાવત જોવા મળી રહ્યો છે.

તૌકતે વાવાઝોડું પસાર થઈ ગયાં ને આજે 42 દિવસ વિતી ચૂક્યા છે. વાવાઝોડાના કારણે ધરાશાઈ થઈ ગયેલા હજજારો વીજપોલને ફરી ઉભા કરવા અને ઝડપથી વીજ પુરવઠો ચાલુ કરવા વીજ વિભાગ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. જેના કારણે ગ્રામ્યના 100 ટકા રહેણાંકી વિસ્તારમાં વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. પરંતુ જિલ્લાના 20 ટકાથી વધુ વાડી વિસ્તારમાં વીજ પુરવઠો હજુ પણ બંધ છે. જેને ઝડપથી ફરી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

સિહોર  તાલુકાના અગીયાળી, દેવગાણા, તરકપાલડી, ખોખરા સહિત ના 10 થી વધુ ગામોના ખેતીવાડી વિસ્તારના ખેડુતો આજે પણ વીજ પુરવઠો પુનઃ શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. આ વિસ્તારમાં હજુ અનેક વીજપોલ રોડ પર પડેલા જોવા મળી રહ્યા છે. જ્યારે રસ્તામાં પડેલા વીજ વાયરો રાહદારીઓ, વાહન ચાલકો અને માલઢોર માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. ખેડૂતોએ વહેલા વરસાદ પડી જતા વાવણી શરૂ કરી દીધી હતી. પરંતુ સિહોર પંથકમાં હજુ પણ જોઈએ તેવો વરસાદ નહિ થતાં ખેતીવાડીમાં પિયત માટે લાઈટ ની જરૂર પડે છે. જ્યારે માલઢોર માટે પણ દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે તેમજ રૂપિયા ખર્ચીને પાણીના ટાંકા મંગાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

હાલ કોરોનાકાળ  ચાલતો હોવાથી મોટા ભાગના વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ અપાઈ રહ્યું છે. જેના કારણે મોબાઈલ, લેપટોપ કે ટેબલેટ ને ચાર્જ કરવા માટે લાઈટની જરૂર પડે છે. પરંતુ વીજ પુરવઠો બંધ હોવાથી મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓને મોબાઈલ વગેરે ચાર્જ કરવા દૂરના ગામો સુધી જવું પડે છે. જેના કારણે સમય નો પણ બગાડ થાય છે જેથી વહેલી તકે વીજ પુરવઠો શરૂ કરવા વિદ્યાર્થીઓની પણ માંગ છે.

Exit mobile version