Site icon Revoi.in

અમદાવાદ શહેરના નવા મેયર બન્યાં પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની વરણી

Social Share

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં નવા મેયરના નામને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ચર્ચાઓનો આજે અંત આવ્યો છે. અમદાવાદ શહેરના નવા મેયર તરીકે કોર્પોરેટર પ્રતિભાબેન જૈનની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. હાલ અમદાવાદ શહેરમાં ભાજપનું સાશન છે.

અમદાવાદ મહાનગરપાલિકાને આજે નવા મહિલા મેયર મળ્યાં છે. અમદાવાદના નવા મેયર તરીકે શાહીબાગના કોર્પોરેટર પ્રતિભા જૈનની વરણી કરવામાં આવી છે. તેઓ વોર્ડ નંબર 16ના કોર્પોરેટર છે અને તેમની શાહીબાગમાં કોર્પોરેટર તરીકે ત્રીજી ટર્મમાં છે. તેઓ મહિલા-બાળ વિકાસ કમિટીના ચેરમેન પણ છે. તો, ડેપ્યુટી મેયર તરીકે ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર જતીન પટેલની નિમણૂંક કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાણી અને શાસક પક્ષના નેતા તરીકે ભાઈપુરા વોર્ડના કોર્પોરેટર ગૌરાંગ પ્રજાપતિની નિમણૂંક કરવામાં આવી છે.

ગત 2 સપ્ટેમ્બરે અમદાવાદના શાહીબાગના ઓસ્વાલ ભવન ખાતે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો કે.સી પટેલ, રાણા દેસાઈ અને ભીખીબેન પરમાર દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે એક પછી એક કોર્પોરેટરને બોલાવીને તેમના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. જેની યાદી બનાવીને પ્રદેશમાં રજૂ કરવામાં આવી હતી. અંતે હવે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસકપક્ષના નેતાનું નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. 

અમદાવાદ મનપાના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 5 મહિલાઓને મેયર પદ મળી ચુકેલુ છે.  1995માં ભાવનાબેન દવે, 1999માં માલિનીબેન ભરતગીરી, 2003 અનીષાબેન મિરજા અને 2013માં મીનાક્ષીબેન પટેલ અને 2018 માં બિજલ પટેલ મેયર પદ પર રહી ચુક્યુ છે. ગુજરાતની સૌથી મોટી પાલિકા હોવાથી અમદાવાદના મેયર પદ પર કોન રહેશે તેના પર સૌની નજર હતી.