Site icon Revoi.in

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ પર સાતમ-આઠમના ભવ્ય લોકમેળાની શરૂ થઈ તૈયારીઓ

Social Share

રાજકોટઃ કોરોનાને કારણે બે વર્ષથી રંગીલા રાજકોટનો પાંચ દિવસનો લોકમેળો યાજી શકાયો નહતો. આ વર્ષે રાજકોટનો સાતમ-આઠમનો લોકમેળો ભારે ઉત્સાહ અને ઉમંગથી યોજાશે. લોકમેળાની પૂરજોશમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રેસકોર્સના મેદાનમાં પાણી ભરાયા છે, ત્યાં મોરમ નાખવામાં આવી રહી છે. તેમજ મંડપ બાંધવાનું પણ શરૂ થઈ ગયું છે.

રાજકોટમાં રેસકોર્સ મેદાન પર યોજાતા પાંચ દિવસના સાતમ-આઠમના લોક મેળોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે મેળા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હરાજી અને ડ્રો પદ્ધતિથી પ્લોટ અને સ્ટોલ ફાળવવાની કામગીરી પૂરી થયા બાદ રેસકોર્સના મેદાનમાં મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંડપ નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને દર વખતે ચોમાસામાં મેળામાં જે સ્થળે પાણી ભરાવાની ફરિયાદો ઊઠે છે ત્યાં અત્યારથી જ મોરમ નાખી દેવાઇ છે. હરાજીમાં કે ડ્રો પદ્ધતિમાં જેમને પ્લોટ કે સ્ટોલ મળ્યા નથી તેવા અરજદારોને ડિપોઝીટની રકમ પરત આપવાનું શરૂ કરી દેવાયું છે. રંગીલા રાજકોટમાં બે વર્ષ બાદ 17થી ઓગસ્ટથી લોકમેળો યોજાશે.  જિલ્લા વહીવટી તંત્ર મેળા સમિતિ દ્વારા લોકમેળામાં યાંત્રિક પ્લોટની હરાજી હાથ ધરવામાં આવી હતી. જેમાં 28 પ્લોટની હરાજી સાથે વહીવટી તંત્રને રૂપિયા 81 લાખ 10 હજારની આવક થઈ છે.  લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા 17થી 21 ઓગસ્ટ સુધી યોજાનારા લોકમેળામાં જાહેરાત માટે જાહેરાતનું કામ સંભાળતી સંસ્થાઓ, કંપનીઓ પાસેથી જાહેરાત આપી ટેન્ડરો મગાવવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય સ્ટેજ, પ્રવેશદ્વાર 4, મેળાની અંદર 20 લાઇટ અને સાઉન્ડ ટાવર તથા 10 વોચ ટાવર સહિત સ્ક્રોલ જાહેરાત, વિઝ્યુઅલ જાહેરાત LED સ્ક્રીનનો સમાવેશ થાય છે. રાઈડ્સના સંચાલકોનો જે પ્રશ્ન છે, તેને પણ ઉકેલવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.