Site icon Revoi.in

કચ્છમાં પણ શાકભાજીના ભાવ આસમાને, ઘાસચારાના વધેલા ભાવથી પશુપાલકો પરેશાન

Social Share

ભુજ : શિયાળામાં તો લીલા શાકભાજી સસ્તા હોય છે, પણ આ વર્ષે શાકભાજીનો ભાવ વધારો ગૃગિણીઓને દઝાડી રહ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ સેન્ચુરી વટાવી ગયા બાદ ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં શાકભાજીના ભાવમાં પણ તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો. ત્યારેબાદ વિરોધને પગલે સરકારે એક્સાઈઝ ડ્યુટી અને વેટમાં ઘટાડો કરતા પેટ્રોલ-ડીઝલના ભાવામાં થોડો ઘટાડો થયો હતો પણ શાકભાજીના ભાવમાં કોઈ જ ઘટાડો કરાયો નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ  પેટ્રોલ-ડીઝલના ભાવ વધે તે સાથે જ તમામ વસ્તુઓ મોંઘી કરી દેવાય પણ તે ભાવ ઘટે તો તેની અસર બજારમાં ક્યાંય જોવા નથી મળતી. શાકના જથ્થાબંધ બજારમાંથી ખરીદનારાનો પણ કિલોના શું ભાવે પડે તેના પર નજર કરીએ તો ધાણાનો ભાવ રૂા. 100 છે. ચોળી 60, ટમેટા 60, મરચાં 40, મરચી 50, ફલાવર 30, ભીંડા 50, કાકડી-ખીરા 70, લસણ સૂકું 65, ના ભાવે વેચાય છે.

કચ્છમાં શિયાળાની ઠંડી શરૂ થઇ ગઇ છે તે સાથે શિયાળુ શાકપાન પણ બજારમાં આવતા થયા છે પણ ભાવ એટલા ઊંચા છે કે લોકોને ઠંડીમાં પણ ભાવ સાંભળીને પરસેવો વળી જાય છે. આ ઉપરાંત લીલાચારાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે.  લીલા ચારાની બજારમાં માલની ઓછી આવકના કારણે વધુ ભાવ ચૂકવવા પડે છે. ઘણીવાર અછતના કારણે પશુઓને ખાણદાણ પર આધારિત રહેવું પડે છે.ભુજના ભીડનાકા પાસે આવેલી લીલાચારા માર્કેટમાં જાણવામાં મળ્યું કે, ભાદરવામાં પડેલો કમોસમી વરસાદ અને વિષમ આબોહવાના કારણે રંજકાના ફાલમાં કમી અને મકાઈ-જુવાર પણ વાડીઓમાંથી ઓછા વેંચાણ અર્થે બજારમાં આવતા હોવાના લીધે ભાવ 30 ટકા વધુ છે. રૂા. 30ના રંજકાના પૂળાના હાલમાં ચાલીસ-પચાસ રૂપિયા થઈ ગયા છે. એમાંય ઘણીવાર પૂરતો માલ મળતો પણ નથી. એ જ રીતે મકાઈ અને લીલી જુવારની હાલત છે. આ વચ્ચે ખાણદાણની દુકાનેથી જાણવા મળ્યું કે, ભૂંસાની ગુણીના ભાવ થોડા થોડા દિવસે વધ્યા કરે છે. હાલે રૂા. 920થી 980 સુધી ગુણીના ભાવ છે જે બે મહિના પહેલા 700 અને 750ની આજુબાજુ હતા.  સુકી કડબ અને મગફળીનો સુકો ચારો પણ મોંઘો થઈ ગયો છે. કડબ રૂા. 200થી રૂા. 300ના મણ જયારે મગફળીના પાનનાં પણ રૂા. 250 થી રૂા. 300 મણ છે. અષાઢ અને શ્રાવણમાં વરસાદ ન પડતાં તેની લીધે આવી પરિસ્થિતિ સર્જાઈ છે તેવું જાણકારોએ કહ્યું હતું.