Site icon Revoi.in

વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તા.18મીને શનિવારે યોજાનારો રોડ શો રદ કરાયો

Social Share

વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના પ્રવાસમાં વધારો થઈ રહ્યો છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આગામી 18 જૂનને શનિવારે ગુજરાત આવવાના છે. વડાપ્રધાન વડોદરા શહેરમાં રોડ શો યોજીને જનતા જનાર્દનનું અભિવાદન જીલવાના હતા.હવે વડાપ્રધાનનો વડોદરાનો  રોડ શો રદ કરવામા આવ્યો છે. વડાપ્રધાને લોકોની ચિંતા કરીને રોડ શો રદ કરવાની જાહેરાત કરી છે. જોકે, તેમના 18 જૂનના કાર્યક્રમો રાબેતા મુજબ રહેશે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, ‘ દેશનાં નાગરિકોની પડખે રહી સદાય એમની કાળજી લેતા આપણાં યશસ્વી અને વંદનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18મી જૂને વડોદરા ખાતે બપોરે 12 કલાકે યોજાનારો રોડ શો શહેરનાં નાગરિકોને તકલીફ ના પડે એ ધ્યાનમાં રાખીને રદ કરવાની સૂચના આપી છે. પ્રજાની પડખે રહી, પ્રજાની સુખાકારીને સદાય કેન્દ્રમાં રાખી નિર્ણય લેનારા પ્રધાનમંત્રીનો હું આભાર વ્યક્ત કરું છું.’

સૂત્રોના જણાવ્યા મુજબ  આતંકવાદી સંગઠન અલકાયદાએ દેશમાં હુમલાની ધમકી આપ્યા બાદ ગુજરાતભરમાં અલર્ટ અપાયું છે. આતંકી હુમલાના અલર્ટને પગલે ગુજરાત સરહદ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત, દિલ્લી, મુંબઈમાં હુમલાની ધમકીને પગલે પોલીસ અલર્ટ થઈ ગઈ છે. ગુજરાતમાં આવતા તમામ વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે. જેમાં ખાસ કરીને, અંબાજી નજીક છાપરી બોર્ડર પર સુરક્ષા વધારવામાં આવી છે. છાપરી બોર્ડર પર હથિયારધારી પોલીસ તૈનાત છે. તો બીજી તરફ યાત્રાધામ શામળાજી મંદિરની સુરક્ષામાં પણ વધારો કરાયો છે. મંદિરની સુરક્ષા માટે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે..હાઈ અલર્ટને પગલે દ્વારકા મંદિરમાં થ્રી લેયર સુરક્ષા રાખવાનો નિર્ણય કરાયો છે. હાલમાં દ્વારકા જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે. ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ બાજ નજર રાખી રહી છે. દ્વારકા મંદિરમાં CCTVથી પણ વોચ રાખવામાં આવી રહી છે. આતંકી હુમલાના અલર્ટને પગલે ઠેર ઠેર પોલીસ તૈનાત થઈ ગઈ છે. (file photo)