Site icon Revoi.in

કોવિડ મહામારીમાં હવે ખાનગી તબીબો અને મેડિકલ સ્ટાફે પણ પીડિતોની સેવા માટે આગળ આવવું જોઈએ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા અનેક સામાજિક સંસ્થાઓએ કોવિડ સારવાર માટે કેન્દ્રો શરૂ કરવા તત્પરતા બતાવી છે.પણ સૌથી મોટો પ્રશ્ન તબીબી સ્ટાફની અછતનો ઊભો થયો છે. હાલ અમદાવાદ સહિત મહાનગરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. સરકારે પણ કેટલાક કોવિડ સારવારના કેન્દ્રો ઊભા કર્યા છે. અમદાવાદમાં જીએમડીસી કન્વેન્શન સેન્ટર તેમજ સમરસ હોસ્ટેલમાં પણ કોવિડ માટેના સારવાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવી રહ્યા છે. પણ કહેવાય છે કે, તબીબી અને નર્સિંગ સ્ટાફની અછત સરકારને સતાવી રહી છે. ત્યારે ખાનગી દવાખાનાના તબીબો પણ સ્વૈચ્છાએ સેવા આપવા આગળ આવે તે જરૂરી છે.

અમદાવાદ નહીં રાજકોટમાં પણ સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ બની હોય, વિવિધ સમાજો તેમજ સંગઠનો ચિંતિત બન્યા છે. તેની સાથોસાથ દર્દીઓને તાકીદની આરોગ્ય સારવાર અને સુવિધા મળી રહે તે માટે વિવિધ સમાજો પહેલ કરી કોવિડ કેર સેન્ટરો શરૂ કરવા માટે આગળ આવી રહ્યા છે. જેમાં પ્રજાપતિ સમાજ દ્વારા રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં કોવિડ કેર સેન્ટર ધમધમતુ કરી દેવામાં આવ્યુ છે. તેમજ શાપર- વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસો. દ્વારા પણ કોવિડ કેર સેન્ટર બે જગ્યા ઉપર શરૂ કરવા માટે તત્પરતા દર્શાવી છે. પરંતુ કોવિડ કેર સેન્ટર માટે તબીબી સ્ટાફ મળતો નથી. જેના પગલે આ સેન્ટર શરૂ કરવામાં થોડો વિલંબ થયો છે. આ ઉપરાંત અમૃત ઘાયલ હોલમાં 200 બેડ સાથેનું કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે. તેમજ સૌરાષ્ટ્ર યુનિના કન્વેન્શન સેન્ટરમાં પણ 400 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે.

નર્સિંગ કોલેજોના વિદ્યાર્થીઓની કોવિડ હોસ્પિટલોમાં સેવા લેવામાં આવશે. હાલ તો તમામ મહાનગરોમાં વિવિધ સમાજો દ્વારા કોવિડ સારવાર કેન્દ્રો શરૂ કરવા સમાજના આગેવાનોએ તત્પરતા દાખવી રહ્યા છે. ઊંઝાના ઉમિયા ધામના ટ્રસ્ટી મંડળે પણ અમદાવાદમાં કોવિડ સારવાર કેન્દ્ર શરૂ કરવા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને પત્ર લખીને રજુઆત કરી છે. પણ સૌથી મોટો પ્રશ્ન આરોગ્ય સ્ટાફની અછતનો છે