Site icon Revoi.in

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓની સળંગ નોકરી ગણવા સ્કુલ સંચાલકોની રજુઆત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં  ગ્રાન્ટેડ શાળાઓમાં નોકરી કરતા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓએ અનેક જગ્યાએ તૂટક તૂટક નોકરી કરી છે, તો આવા કર્મચારીઓની તૂટક નોકરી સળંગ ગણવામાં આવે તેવી શાળા સંચાલકોએ શિક્ષણ વિભાગ સમક્ષ રજુઆત કરી છે. અને આવા કર્મચારીએની સળંગ નોકરી ગણવામાં આવે તો સ્કૂલને અનુભવી શિક્ષક અને સ્ટાફ મળી રહેશે.

રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ નિયામકને પત્ર લખીને એવી રજુઆત કરી છે. કે, રાજ્યમાં પહેલા જ્યારે કેન્દ્રીય ભરતી સમિતિ નહોતી ત્યારે કર્મચારીઓને એક શાળામાંથી બીજી શાળામાં નોકરી કરવા જવાનું સરળ હતું. અગાઉ ઓછી લાયકાત ધરાવતા કર્મચારીઓએ જે તે જગ્યાએ નોકરી લાગ્યા હતા. અને ત્યાર બાદ પરીક્ષાઓ આપીને ઉચ્ચ અભ્યાસ કરીને કર્મચારીઓ પોતાના હોદ્દા પરથી ઊંચા હોદા પર નોકરી કરી રહ્યા હતા.આમ વર્ષો સુધી અલગ અલગ જગ્યાએ નોકરી તો કરવામાં આવે છે પરંતુ તે તૂટક તૂટક નોકરી ગણવામાં આવે છે. જો સળંગ નોકરીનો લાભ આપવામાં આવે તો કર્મચારીઓને નહીં પણ શાળાઓને લાભ થશે. કારણ કે એક જ જગ્યાએ સળંગ નોકરી કરી હોય તેને પ્રમોશન અથવા અન્ય લાભ પણ મળે છે ત્યારે શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ દ્વારા તૂટક નોકરી કરવામાં આવી છે જેથી તેમને લાભ મળતો નથી અને તેમના અનુભવનો લાભ સ્કૂલને મળતો નથી.સળંગ નોકરી ગણવામાં આવે તો નોકરીનો સમયગાળો વધશે તો અનુભવી સ્ટાફ મળી રહેશે તથા સરકારની તિજોરી પણ કોઈ ભાર પણ નહીં પડે. શાળાના સંચાલકોએ શિક્ષણ મંત્રીને પણ આ પ્રશ્ને યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરી છે.

Exit mobile version