Site icon Revoi.in

સરકારી- ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવાસી શિક્ષકોને હટાવવા શિક્ષણ વિભાગના પરિપત્ર સામે વિરોધ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોની ઘટ સામે પ્રવાસી શિક્ષકોની નિમણુકો કરવામાં આવી હતી. હવે શિક્ષણ વિભાગે પ્રવાસી શિક્ષકોના સ્થાને 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂકો કરવામાં આવી રહી છે. જોકે જ્ઞાન સહાયકોની નિમણૂંકો સામે ટાટ અને ટેટ પાસ ઉમેદવારોએ વિરોધ પણ કર્યો હતો.  શિક્ષણ વિભાગ દ્વારા  6 મહિના માટે પ્રવાસી શિક્ષકોની મજૂરી આપવામાં આવી હતી, જેની મુદત પૂર્ણ થતાં પ્રવાસી શિક્ષકોને હટાવવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે. જેને લઈને શાળા સંચાલકોમાં રોષ જોવા મળ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યના નાયબ શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પરિપત્ર કરીને જણાવ્યું છે કે 24 જુલાઈ 2023ના રોજ રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની ખાલી જ્ગ્યા પર કરાર આધારિત પ્રવાસી શિક્ષકોની 6 મહિના માટે ભરતી કરવામાં આવી હતી. જ્ઞાન સહાયક હાજર ન થાય ત્યાં સુધી અથવા 6 મહિનાની મુદત પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષક રાખવા જણાવ્યું હતું. ગ્રાન્ટેડ સ્કૂલોમાં કરાર આધારિત જ્ઞાન સહાયકની પણ નિમણુક કરવામાં આવી છે અને હવે પ્રવાસી શિક્ષકોની મુદત પણ પૂર્ણ થઈ છે. તેથી પ્રવાસી શિક્ષકોને ત્વરિત છુટા કરવામાં આવે. શિક્ષણ વિભાગના આ પરિપત્રને લીધે શાળા સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે જ્ઞાન સહાયક યોજના અમલમાં આવ્યા બાદ પણ અનેક જ્ઞાન સહાયક હાજર થયા નથી. જેની જગ્યાએ પ્રવાસી શિક્ષકોની કામ ચાલતું હતું, પરંતુ હવે પ્રવાસી શિક્ષકો પણ હાજર નહિ હોય તો વિદ્યાર્થીઓને અભ્યાસ કોણ કરાવશે તે સવાલ છે. સ્કૂલોમાં જ્ઞાન સહાયક હાજર ન થયા તેમાં સ્કૂલનો પણ કોઈ વાંક નથી. જેથી આગામી સમયમાં સંચાલકો આ મામલે શિક્ષણ વિભાગને રજૂઆત કરશે.