Site icon Revoi.in

શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસી પૂર્વે જ ઉઠ્યાં વિરોધના સૂર

Social Share

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલા ફરીથી કોંગ્રેસમાં ઘર વાપસી કરતા હોવાની ચર્ચાઓ વચ્ચે રાજકારણ ગરમાયું છે. બીજી તરફ કોંગ્રેસમાં જ શંકરસિંહ વાઘેલાની વાપસીને લઈને વિરોધના સૂર ઉઠ્યાં છે. તેમજ ફરીથી કોંગ્રેસમાં જૂથવાદ વકરવાની કેટલાક કોંગ્રેસના નેતાઓ આશંકા વ્યક્ત કરી હોવાનું જાણવા મળે છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ભાજપના કેટલાક સિનિયર કોર્પોરેટરનો સંપર્કમાં હોવાનું જાણવા મળે છે. આ કોર્પોરેટરોની ટિકીટ આ ચૂંટણીમાં કપાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં બળવો કર્યા બાદ શંકરસિંહ વઘેલા એનસીપીમાં જોડાયાં હતા. જ્યારે તેમની સાથે બળવો કરનારા તત્કાલિન ધારાસભ્યો ભાજપમાં જોડાયાં હતા. જો કે, એનસીપી સાથે થોડા મહિનાઓ પહેલા જ શંકરસિંહ વાઘેલાએ છેડો ફાડ્યો હતો. હાલ રાજ્યમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા અને નગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરીથી કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ હતી. તેમજ કોંગ્રેસના એક સિનિયર નેતા ભરતસિંહ સોલંકી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સંપર્કમાં હોવાનું ચર્ચાય રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસમાં બાપુની ઘર વાપસીને લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે. કોંગ્રેસના નેતા હેમાંગ સવાવડાએ નારાજગી વ્યક્ત કરીને કહ્યું હતું કે, શંકરસિંહ વાઘેલાના કૉંગ્રેસમાં આવવાથી ફરી જૂથવાદ વકરશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે શંકરસિંહ વાઘેલા સક્રીય બન્યાં છે. બીજી તરફ ભાજપના નવા નિયમોને કારણે કેટલાક કોર્પોરેટરોના પત્તા કપાવાની શકયતા છે. આવા જ કેટલાક ભાજપના કેટલાક કોર્પોરેટરોના શંકરસિંહ વાઘેલા સંપર્કમાં હોવાનું પણ જાણવા મળે છે.