Site icon Revoi.in

કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ની એક્સટર્નલ પરીક્ષાઓની તારીખ જાહેર ન કરાતા વિરોધ

Social Share

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા સંચાલિત બાહ્ય અભ્યાસક્રમ યાને એક્સટર્નલ ડીપાર્ટમેન્ટમાં વિવિધ બેચલર તેમજ માસ્ટર કોર્સમાં વિધાર્થીઓ એડમિશન લેતા હોય છે. આ વર્ષે પણ ખૂબ મોટા પ્રમાણમાં વિવિધ અભ્યાસક્રમોમાં વિધાર્થીઓએ એડમિશન લીધા છે. બાહ્ય અભ્યાસક્રમ વિભાગમાં જે વિધાર્થીઓ અન્ય જગ્યાએ કે સરકારી કચેરીઓ, શિક્ષક કે આર્મી કે પોલીસમાં સેવા કરી રહ્યા હોય તેવા વિધાર્થીઓની સંખ્યા છે. આમ ઘણાબધા વિદ્યાર્થીઓ નોકરી કરવાની સાથે વિવિધ અભ્યાસક્રમોનો ઘેરબેઠા અભ્યાસ કરીને એક્સટર્નલ પરીક્ષાઓ આપતા હોય છે. યુનિ દ્વારા એક્સટર્નલ પરીક્ષાની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. ઘણા વિદ્યાર્થીઓ આર્મીમાં, પોલીસ વિભાગમાં અને રેલવેમાં પણ નોકરી કરી રહ્યા છે . જો પરીક્ષાની વહેલા તારીખ જાહેર કરવામાં આવે તો વિદ્યાર્થીઓને નોકરીમાં અગાઉથી રજા મંજુર કરાવવી અનુકૂળ રહે માટે એક્સટર્નલ પરીક્ષાની તારીખ વહેલી તકે જાહેર કરવાની માગ ઊઠી છે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા જૂન મહિનામાં પરીક્ષા લેવા અંગેની જાહેરાત કરી હતી પરતું આજ તારીખ સુધી કોઈ કાર્યક્રમ જાહેર કર્યો નથી. જેથી વિધાર્થીઓની પરીક્ષા કયારે લેવાશે તે અંગે વિધાર્થીઓ અસમંજસમાં છે. સાથે વિધાર્થીઓ જે અન્ય સરકારી કે આર્મીમાં સેવા કરી રહ્યા છે તેવા વિધાર્થીઓએ પરીક્ષાના 15 દિવસ પહેલા તેમની કચેરી કે ઉપરી અધિકારી પાસે રજા મંજુર કરાવવી પડતી હોય છે,  યુનિ.એ પરીક્ષાની તારીખ જાહેર ન કરતા  વિધાર્થીઓને કયારે રજા રાખવી તે અંગે વિદ્યાર્થીઓ મુંઝવણ અનુભવી રહ્યા છે.  બ્રિજરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, વિષયની ગંભીરતાને ધ્યાન પર રાખીને બાહ્ય અભ્યાસક્રમના વિવિધ અભ્યાસક્રમની પરીક્ષાના ટાઈમ ટેબલ વહેલી તકે જાહેર કરવામાં આવે અને વિધાર્થીને રજા રાખી શકે તેવી રીતે પુરતો સમય પણ પરીક્ષા માટે ફાળવવા કોર્ટ સભ્ય દ્વારા માંગ કરવામાં આવી હતી.