Site icon Revoi.in

પાકિસ્તાનના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં સરકાર સામે પ્રજામાં રોષ, લોકોએ રસ્તા ઉપર ઉતરી નોંધાવ્યો વિરોધ

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ફરી એકવાર સ્થાનિકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા છે. વિરોધ કરી રહેલા લોકોએ તેમના નેતાઓની વહેલી મુક્તિની માંગ કરી છે અને જો તેમના નેતાઓને જલ્દી મુક્ત કરવામાં નહીં આવે તો સરકાર સામે યુદ્ધ કરવા અને ભારતમાં ભળી જવાની ધમકી આપી છે. ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ચાલી રહેલા વિરોધનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં દેખાવકારો પાકિસ્તાન સરકાર સામે યુદ્ધ છેડવાની ધમકી આપી રહ્યા છે. તેજમ એવુ કહેતા સાંભળવા મળે છે કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તે કારગિલ જશે. આ એક પ્રકારનો સંકેત છે કે તે ભારત સાથે જોડાણ કરશે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, પ્રદર્શનકારીઓ કારગીલ જવાના નારા લગાવી રહ્યા છે. ગિલગિટ બાલ્ટિસ્તાનમાં એક શિયા ધર્મગુરુ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. જેને લઈને સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જે બાદ મોટી સંખ્યામાં લોકોએ સ્કર્દુમાં પાકિસ્તાન સરકારનો વિરોધ કર્યો હતો. ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોમાં ઈશનિંદા કાયદાને વધુ કડક બનાવવાને લઈને પણ નારાજગી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિયા ધર્મગુરુ શેખ બાકિર અલ હુસૈની વિરુદ્ધ ઈશનિંદા કાયદા હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. એવો આરોપ છે કે શિયા ધર્મગુરુએ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. જોકે, શિયા ધર્મગુરુએ આ આરોપોને નકારી કાઢ્યા છે. દેખાવકારોએ કારાકોરમ હાઈવે બ્લોક કરી દીધો હતો.