Site icon Revoi.in

પુલવામા એટેક: પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં રાજસ્થાનના બિકાનેર જિલ્લાને છોડવાના આદેશ

Social Share

પુલવામા આતંકવાદી હુમલા બાદ આખા દેશમાં ગુસ્સાની લહેર અને આક્રોશનું વાતાવરણ છે. આ કડીમાં રાજસ્થાનના બિકાનેરમાં પ્રશાસને તમામ પાકિસ્તાની નાગરિકોને આગામી 48 કલાકમાં જિલ્લો છોડીને ચાલ્યા જવાનો હુકમ ફરમાવ્યો છે.

બિકાનેર જિલ્લા મેજિસ્ટ્રેટ કુમારપાલ ગૌતમે સોમવારે સીઆરપીસીની કલમ-144 હેઠળ આદેશ જાહેર કર્યો હતો કે બિકાનેરની મહેસૂલી હદમાં રહેતા પાકિસ્તાની નાગરિક 48 કલાકની અંદર જિલ્લો છોડીને ચાલ્યા જાય.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે બિકાનેર પાકિસ્તાનની સીમાની નજીક છે. તેના કારણે પાકિસ્તાની નાગરિકોના અહીં રહેવા, હરવા-ફરવા અને રોકાવાથી આંતરીક સુરક્ષાને ગંભીર ખતરો પેદા થવાની સંભાવના છે. જેને કારણે આ નિષેધાજ્ઞા લાગુ કરવામાં આવી છે.

બિકાનેરના ડીએમનું કહેવું છે કે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાથી સામાન્ય લોકોમાં પાકિસ્તાન પ્રત્યે જબરદસ્ત જનાક્રોશને કારણે આ આદેશ આપવામાં આવ્યો છે. તેમણે બિકાનેરના સીમાક્ષેત્રમાં આવેલી હોટલોમાં પાકિસ્તાની નાગરિકોને ઉતારો આપવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ આદેશને બે માસ માટે લાગુ કરવામાં આવ્યો છે.

આ આદેશ પ્રમાણે બિકાનેરની મહેસૂલી સીમામાં આવેલી કોઈપણ ધર્મશાળા, હોટલ અને હોસ્પિટલ વગેરેમાં પાકિસ્તાની નાગરિકોના ઉતારા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે બિકાનેર જિલ્લામાં રહેતા ભારતીય નાગરિક, પાકિસ્તાનના નાગરિકોની સાથે પરોક્ષ કે પ્રત્યક્ષપણે વ્યાપારીક સંબંધ રાખશે નહીં અથવા તેમને કોઈપણ પ્રકારનો રોજગાર આપશે નહીં. પાકિસ્તાનથી આવી રહેલા સ્પૂફ કૉલને ધ્યાનમાં રાખતા કોઈપણ નાગરિક કોઈપણ દૂરસંચાર માધ્યમથી કોઈપણ પ્રકારની સૈન્ય અથવા સંવેદનશીલ જાણકારીનું અજાણ્યા શખ્સની સાથે આદાન-પ્રદાન પણ કરશે નહીં. બિકાનેરનો કોઈપણ વ્યક્તિ પાકિસ્તાનમાં રજિસ્ટર્ડ સિમ કાર્ડનો ઉપયોગ કરી શકશે નહીં.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈપણ પાકિસ્તાની નાગરિકને આવા આધેશ સામે વાંધો હોય, તો તે ડીએમની સમક્ષ રજૂ થઈને આવેદનપત્ર આપી શકે છે.

મહત્વપૂર્ણ છેકે 14મી ફેબ્રુઆરીએ બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં નેશનલ હાઈવે-44 પરથી પસાર થઈ રહેલા સીઆરપીએફના કાફલા પર જૈશ-એ-મોહમ્મદ દ્વારા ફિદાઈન એટેક કરવામાં આવ્યો હતો. આ આત્મઘાતી હુમલામાં દેશના 44 બહાદૂર જવાનો શહીદ થયા હતા અને ડઝનબંધ અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં પાકિસ્તાનથી ઓપરેટ થનારા આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદે હુમલાન જવાબદારી લીધી હતી.

જો કે પુલવામા હુમલાના ચાર દિવસની અંદર જ આનો પહેલો બદલો લેવામાં આવ્યો છે. સોમવારે પુલવામાના પિંપલિનામાં થયેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના ટોચના આતંકી કામરાન સહીત ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જો કે આ એન્કાઉન્ટરમાં એક મેજર સહીત કુલ પાંચ સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા.