Site icon Revoi.in

પંજાબઃ પીએમ મોદી બાદ હવે રાહુલ ગાંધીની સુરક્ષામાં ચુક બહાર આવી

Social Share

નવી દિલ્હીઃ પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચુકની ઘટના હજુ ભુલાઈ નથી ત્યા હવે રાહુલ ગાંધીની સુરક્ષામાં ચુકની ઘટના સામે આવી છે. રાહુલ ગાંધીની મોટરકાર ઉપર એક વ્યક્તિએ ઝંડો ફેંક્યો હતો. જે રાહુલ ગાંધીને મોઢા ઉપર વાગ્યો હોવાનું જાણવા મળે છે. આ બનાવ બાદ રાહુલ ગાંધીએ કારનો કાચ બંધ કરી દીધો હતો. જો કે, આ ઘટનાને પગલે ટીકા ના થાય તે માટે કોંગ્રેસે ચુપકીદી સાધી છે. રાહુલ ગાંધી પંજાબના સીએમ ચહેરાની જાહેરાત કરવા માટે લુધિયાણા ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર રાહુલ ગાંધી જે કારમાં પસાર થતા હતા તેને પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રધાન સુનીલ જાખડ ચલાવતા હતા. રાહુલ ગાંધી તેમની સાથે આગળની બેઠકમાં હતા. જ્યારે સીએમ ચરણજીત ચન્ની અને નવજોત સિદ્ધુ પાછળની બેઠકમાં બેઠા હતા. રાહુલ ગાંધી રેલીમાં ભાગ લેવા માટે લુધિયાણા ગયા હતા. તેઓ કારમાં હોટલ તરફ જતા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકરોનું અભિવાદન ઝીલવા માટે કારનો કાર નીચે ઉતાર્યો હતો. આ દરમિયાન જ કોઈ ઝંડો રાહુલ ગાંધીની મોટરકાર ઉપર ફેંક્યો હતો. જે તેમના મોઢા ઉપર વાગ્યો હતો. જે બાદ સુરક્ષા કર્મચારીઓ સતર્ક થઈ ગયા હતા અને કારનો કાચ બંધ કરાવી દીધો હતો. પ્રાથમિક તપાસમાં એનએસયુઆઈના કાર્યકરે જોશમાં ઝંડો ફેંક્યો હોવાનું ખુલ્યું હતું. આ બનાવ અંગે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પોલીસે નદીમ ખાન નામના વ્યક્તિની અટકાયત કરી હતી. તેણે પોલીસ સમક્ષ કહ્યું હતું કે, રાહુલ ગાંધીને જોઈને ભાવુક થઈ ગયો હતો અને ભૂલથી ઝંડો ફેંકી દીધો હતો.