Site icon Revoi.in

સુરતમાં નોન-ક્રિમીલિયર સર્ટિફિકેટ મેળવવા માટે લાગતી લાઈનો, વાલી અને વિદ્યાર્થીઓ પરેશાન

Social Share

સુરતઃ શહેરમાં  નોન-ક્રિમીલિયર સર્ટીફિકેટ મેળવવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. શહેરમાં જે પ્રકારે વસતીનું ભારણ વધ્યું છે તેની સામે વહીવટી તંત્ર દ્વારા જે સુવિધા આપવી જોઈએ તે સુવિધા હજી પણ ઉભી થતી નથી. વર્ષોથી લોકોને જાતિના દાખલા કાઢવા માટે ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. સોમવારે સવારે જૂની બહુમાળી ઓફિસ ખાતે આવેલી સમાજ કલ્યાણ અધિકારી ઓફિસમાં લાંબી કતાર જોવા મળી હતી. મહદંશે લોકો વહેલી સવારે જ અહીં લાઈનમાં ઊભા રહી જતા હોય છે. વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ દરમિયાન નોન-ક્રિમીલિયર સર્ટિફિકેટ ખૂબ જ અગત્યનું હોય છે. વિદ્યાર્થીઓ માટે આ પ્રકારની સ્થિતિ હંમેશા ઉભી થતી હોય છે. લાઈન ઉભેલા લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે, એક વ્યક્તિની પ્રક્રિયા પૂર્ણ થવામાં 3 કલાક જેટલો સમય લાગી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા તમામ ઓનલાઈન કરવાની વાત કરવામાં આવી રહી છે. સર્ટીફીકેટ ખૂબ જ સરળતાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને મળી જાય તેના માટેની પ્રક્રિયાની વાત કરીને સરકાર પોતાની પીઠ થપથપાવતી રહે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળતી હોય છે. દરવર્ષે વિદ્યાર્થીઓ અને વાલીઓને આ જ રીતે કલાકો સુધી કતારમાં રહેવાની ફરજ પડે છે. સામાન્ય દિવસોમાં પણ સમાજ કલ્યાણ ખાતાની બહાર વિદ્યાર્થીઓ આ પ્રકારે જ કલાકો સુધી ઉભા રહેલા જોવા મળતા હોય છે. જિલ્લાના છેવાડાના ગામથી આવતા વિદ્યાર્થીઓ  અને વાલીઓને આખો દિવસ અહીં પસાર કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ જાય છે. પરિણામે સમયના વેડફાટ સાથે આર્થિક બોજો પણ લોકોએ સહન કરવો પડે છે.

વિદ્યાર્થીઓએ  જણાવ્યું હતું કે સવારે સાડા આઠ-નવ વાગ્યાથી અમે  અહીં કતારમાં ઉભા છીએ, અંદાજે ઓફિસ 10:30 વાગ્યા બાદ શરૂ થઈ હતી. એ પહેલા જ અમે 40થી 50 લોકો કતારમાં ઉભા રહી ગયેલા હતા અને ત્યારબાદ બીજા વિદ્યાર્થી અને વાલીઓ પણ અહીં નોન-ક્રિમીલિયર સર્ટિફિકેટ કાઢવા માટે આવ્યા હતા. ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક ઉભા રહ્યા બાદ જ પ્રક્રિયા પૂર્ણ થાય છે. એ પણ એક જ વખતમાં ક્રિમિલિયર સર્ટિફિકેટ હાથમાં આવતું નથી. સરકાર પણ જાણે છે કે નોન-ક્રિમીલિયર સર્ટિફિકેટ કાઢવા માટે આ પ્રકારની હાલાકી લોકોને ભોગવવી પડી રહી છે પરંતુ સરકાર માત્ર વાતો કરે છે. ખરા અર્થમાં સામાન્ય પ્રજાની મુશ્કેલીઓ દૂર થાય તેવા કોઈ નક્કર આયોજન કરવામાં આવતા નથી.