Site icon Revoi.in

ટેસ્ટ મેચમાં 10થી વધારે વિકેટ લેનાર ટોપ પાંચ બોલરમાં આર.અશ્વિનનો સમાવેશ

Social Share

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 141 રને હરાવ્યું હતું. આ મેચના પ્રથમ દાવમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં ભારતીય ટીમે પ્રથમ દાવમાં 5 વિકેટ ગુમાવીને 421 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ દાવમાં 271 રનની લીડ બનાવી લીધી હતી પરંતુ વિન્ડીઝની ટીમ બીજા દાવમાં 130 રનમાં સમેટાઈ ગઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને 12 વિકેટ ઝડપી હતી અને આ સાથે તેણે એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

રવિચંદ્રન અશ્વિને આ મેચની પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઇનિંગમાં, અશ્વિન  7 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. અશ્વિનની ટેસ્ટ કારકિર્દીમાં આ 34મી પાંચ વિકેટ હતી. આ સાથે જ અશ્વિને આઠમી વખત ટેસ્ટ મેચમાં 10 વિકેટના આંકડાને સ્પર્શ કર્યો છે. આ મામલામાં અશ્વિને ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર ​​અનિલ કુંબલેની બરાબરી કરી લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 10 વિકેટ લેનારા બોલરોની યાદીમાં અશ્વિન હવે અનિલ કુંબલે સાથે 5માં નંબરે પહોંચી ગયો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 10 વિકેટ ઝડપનાર બોલરમાં ટોપ ઉપર મુથૈયા મુરલીધરનનો સમાવેશ થાય છે. મુસલીધરને 12 વખત 10 વિકેટ મેળવી છે. જ્યારે શેન વોર્ને 10 વાર, રિચાર્ડ હેડલીએ 9 વખત, રંગના હેરાથએ 9 વખત, આર.અશ્વિને 8 વખત, અનિલ કુંબલેએ 8 વખત 10 વિકેટ ઝડપી છે.