Site icon Revoi.in

રાધનપુર – શામળાજી નેશનલ હાઈવે માટે જમીન સંપાદન સામે ઈડરના 7 ગામોના ખેડુતોનો વિરોધ

Social Share

ઈડરઃ ગુજરાતમાં સીમાંત ખેડુતોની સંખ્યા વધતી જાય છે. મોટા જમીનદારો ઘટી ગયા છે. સીમાંત ખેડુતો ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ વિકાસના કામો માટે જમીનો સંપાદન કરવામાં આવતા ઘણાબધા ખેડુતો જમીન વિહાણા બની જતા હોય છે. રાધનપુરથી શામળાજી વાયા ઇડર નેશનલ હાઇવે નિર્માણની મંજૂરી મળતાં જ વિરોધનો સુર શરૂ થયો છે.  ખેતી પર નિર્ભર ખેડૂતો જમીન વિહોણા થવાની દહેશતને લઇ સ્થાનિક નેતાઓને આવેદન આપ્યા બાદ હવે જિલ્લા કલેકટર સમક્ષ રજુઆત કરાશે. કેટલાક  ખેડૂતોએ કાયદાની મદદ પણ લેવાની તૈયારીઓ શરૂ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સાબરકાંઠા જિલ્લાના સ્થાનિકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત જીવન નિર્વાહ કરી રહ્યા છે. ત્યારે રાધનપુર -શામળાજી નેશનલ હાઇવે બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળી છે અને તેનું સેટેલાઈટ સર્વે બાદ પીલ્લર પણ લગાવી દેવામાં આવ્યા છે. આ નેશનલ હાઈવે વાયા ઇડર થઈને પસાર થાય છે.  ઇડર તાલુકાના સાત ગામડાના સીમમાંથી નેશનલ હાઇવે પસાર થશે. પરંતુ હાઇ-વેમાં ખેડૂતોની આજીવિકાનું સાધન એવી જમીન સંપાદિત થશે. ત્યારે ખેડૂતો સરકારને અને તેમના પ્રતિનિધિ ધારાસભ્ય, સાસંદને આવેદન આપી વિનંતી કરી ઉકેલ લાવવા માથામણ કરી રહ્યા છે.  સાત ગામોના 325 કરતા પણ વધુ ખેડૂત ખાતેદારોની જમીન રોડમાં સંપાદિત થઈ રહી છે. જે પૈકીના 10 ટકા કરતા વધુ ખેડૂતોની તો તમામ જમીન રોડમાં સંપાદિત થઈ રહી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ઈડર તાલુકાના, મણીયોર, સદાતપુરા, લાલોડા, સવગઢ, બુઢિયા, વાસડોલ, બડોલી સહિત ગામોના જમીન માલિકો ભેગા થયા હતા અને આગણની રણનીતિ નક્કી કરી હતી. એક તરફ ઇડફ શહેરને વર્ષોથી બાયપાસની માગ છે પરંતુ એ માગ પુરી કરવામાં આવતી નથી. સામે નવા હાઇવેની જરૂરિયાત ના હોવા છતાં બનાવવામાં આવી રહ્યો હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યાં છે. તો બીજી તરફ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સભ્યને મળી રજુઆત કરવામાં આવી હતી. સાથે જ આગામી સમયે જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાધનપુરથી શામળાજી સુધી  હાઇવે બનાવવા માટે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. પરંતુ મેપ બનાવવા માટે કોઈ સર્વે કરાયો નથી. માત્ર સેટેલાઇટ તસ્વીર આધારે સર્વે કરી પીલ્લર લગાવી દેવામાં આવ્યા છે.  હાઇવે ઓથોરિટી કે સરકાર દ્વારા ખેડૂતોને કોઈ જાણ કરવામાં આવી નથી. જેને લઈને ખેડૂતો એકશનમાં આવ્યા છે.અને આવેદનો આપી રજુઆતો કર્યા બાદ બેઠકોનો દૌર શરૂ થઇ ગયો છે. ત્યારે અગામી દિવસોમાં ખેડૂતોના આંદોલનના ભણકાર વાગી રહ્યા છે.