Site icon Revoi.in

મોદી અટકના કેસમાં રાહુલ ગાંધીને ન મળી રાહત, સજા પર સ્ટેની અરજી કોર્ટે ફગાવી

Social Share

અમદાવાદઃ મોદી સરનેમ મામલે માનહાનીના કેસમાં અદાલતે બે વર્ષની સજા ફરમાવી હતી. જેની ઉપર સ્ટેની માંગણી સાથે રાહુલ ગાંધી દ્વારા અરજી કરવામાં આવી હતી. સુરતની સેશન્સ અદાલતે સુનાવણીના અંતે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી હતી. અદાલતના આદેશને હવે હાઈકોર્ટમાં પડકારવાની તૈયારીઓ શરુ કરી છે. રાહુલ ગાંધીની લીગલ ટીમ દ્વારા દસ્તાવેજી કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.

કેસની હકીકત અનુસાર ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી અટકને વધીને વાંધાજનક નિવેદન કર્યું હતું. આ અંગે ભાજપના નેતા પૂર્ણશ મોદીએ સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી સામે બદનક્ષીને લઈને અરજી કરી હતી. સુરતની અદાલતે સુનાવણીના અંતે કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીને કસુરવાર ઠરાવીને બે વર્ષની સજા ફરમાવી હતી. સુરત કોર્ટના આદેશ બાદ રાહુલ ગાંધીએ સાંસદનું પદ પણ ગુમાવ્યું હતું. બીજી તરફ કોર્ટના ચુકાદા સામે સ્ટેની માંગણી કરતી અરજી રાહુલ ગાંધી મારફતે કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણીના અંતે કોર્ટમાંથી રાહુલ ગાંધીને કોઈ રાહત મળી નથી. અદાલતે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી હતી.

સેશન્સ કોર્ટના ચુકાદા બાદ રાહુલ ગાંધીના જામીનદાર અને કોંગ્રેસના નેતા નૈષધ દેસાઈએ ગુજરાત હાઈકોર્ટમાં જવાની વાત કરી હતી. તેમજ રાહુલ ગાંધીને હાઈકોર્ટ તરફથી રાહત મળશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી. તેમણે કહ્યુ સેશન્સ કોર્ટના ઓર્ડરમાં સજા પર સ્ટે ન મુકવા અંગેનું કોઈ કારણ આપવામાં આવ્યુ નથી. સેશન્સ કોર્ટના ચુકાદાની કોપી આવ્યા બાદ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે, બદનક્ષીના કેસમાં વધુમાં વધુ બે વર્ષની સજાની જોગવાઈ છે. શબ્દોની માનહાનિ વ્યક્તિ પર થયેલી હોવી જોઈએ. રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણીમાં મોદી સમાજની, મોદી સરનેમની કે OBC સમાજની કોઈ ટીકા ન હતી. ટીકા માત્ર વડાપ્રધાન પર કટાક્ષ કરવામાં આવ્યો હતો. તે પણ જાહેર રેલી દરમિયાન કરેલી હતી. શબ્દોની બદનક્ષી પર આજ સુધી દુનિયાની કોઈ અદાલતે બે વર્ષની સજા ફટકારી નથી.