નવી દિલ્હી: શુક્રવારે લોકસભામાં કોંગ્રેસના સાંસદો સાથે રાહુલ ગાંધીએ પાર્લામેન્ટ હાઉસ એનેક્સીના ઓડિટોરિયમ હોલમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જોકે, આ બેઠકમાં તિરુવનંતપુરમના વરિષ્ઠ સાંસદ શશિ થરૂરની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી. લાંબા સમયથી થરૂર અને કોંગ્રેસ હાઈકમાન્ડ વચ્ચે મતભેદના અહેવાલો આવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર તેમની ગેરહાજરીએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. જોકે, થરૂરે પોતાની વ્યસ્તતા અંગે પાર્ટીને અગાઉથી જાણ કરી હોવાનું પણ સામે આવ્યું છે.
બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ આક્રમક વલણ અપનાવતા કહ્યું હતું કે, “છેલ્લા કેટલાક મહિનાઓથી કોંગ્રેસ પાર્ટીએ જે રીતે ‘વોટ ચોરી’ અને SIR (સ્પેશિયલ ઈન્ક્વાયરી રિપોર્ટ) મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું છે, તેની સીધી અસર સત્તાધારી પક્ષ પર દેખાઈ રહી છે. સંસદ ભવનમાં અમિત શાહને જોઈને લાગે છે કે તેઓ ગભરાયેલા અને ઉતાવળમાં છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ મુદ્દે વડાપ્રધાનને જોતા પણ એવું લાગે છે કે અમારો મુદ્દો સફળ રહ્યો છે અને સરકાર દબાણમાં છે.”
અહેવાલો અનુસાર, સાંસદ શશિ થરૂર હાલમાં ભારતમાં નથી. તેઓ એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે રશિયાના મોસ્કો ગયા છે. તેમણે પોતાની આ પૂર્વ-નિર્ધારિત યાત્રા અને બેઠકમાં સામેલ ન થઈ શકવા અંગે પાર્ટીને અગાઉથી જાણ કરી દીધી હતી. તેમ છતાં, પાછલી કેટલીક બેઠકોમાંથી તેમની સતત ગેરહાજરીને કારણે કોંગ્રેસ સાથેના તેમના સંબંધોમાં કડવાશ હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે.

