Site icon Revoi.in

પપ્પુ કહેનારાઓને રાહુલનો સણસણતો જવાબ, આયર્ન લેડી ઈન્દિરા ગાંધીને આ લોકો મુંગી ઢીંગલી કહેતા હતા

Social Share

મુંબઈઃ ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના વિરોધીઓને ‘પપ્પુ’ કહેવા પર સણસણતો જવાબ આપ્યો છે. તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, તેને ‘પપ્પુ’ કહેવા સામે કોઈ વાંધો નથી કારણ કે તે વિરોધીઓના પ્રચાર અભિયાનનો એક ભાગ છે. રાહુલ ગાંધીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તેઓ જાણે છે કે તેમના વિરોધીઓના દિલમાં ડર ઘર કરી ગયો છે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ અમારી ભારત જોડો યાત્રાથી ડરી ગયા છે, તેથી જ તેઓ આવા નિવેદનો આપી રહ્યા છે. મને આવા નામોની પરવા નથી. આ ઈન્ટરવ્યુ ભારત જોડો યાત્રા દરમિયાન મુંબઈમાં લેવામાં આવ્યું હતું.

ઈન્દિરા ગાંધી વિશે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ઈન્દિરા ગાંધીને આયર્ન લેડી કહેવામાં આવતા પહેલા તેમને ગુંગી ગુડિયા કહેવામાં આવતી હતી. જે લોકો મારા પર ચોવીસ કલાક હુમલો કરે છે એ જ લોકો મારી દાદીને મૂંગી ઢીંગલી કહેતા હતા અને અચાનક એ મૂંગી ઢીંગલી આયર્ન લેડી બની ગઈ હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, મને કોઈ પરવા નથી. તમે મને કંઈપણ કહી શકો છો. રાહુલને પૂછવામાં આવ્યું કે, શું તમે તમારા જીવનમાં ઈન્દિરા ગાંધી જેવા ગુણો ધરાવતી સ્ત્રી ઈચ્છો છો? તેના પર રાહુલે કહ્યું કે આ એક રસપ્રદ પ્રશ્ન છે. હું કહેવા માંગુ છું કે મારી માતા અને દાદીના ગુણો એક સારું સંયોજન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીની આગેવાનીમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, આ યાત્રા તમિલનાડુ થઈને કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ચંદીગઢમાંથી પસાર થઈને દેશની રાજધાની દિલ્હીમાં પહોંચી હતી. ઉત્તરપ્રદેશમાં ભારત યાત્રામાં જોડાવા માટે રાહુલ ગાંધીએ અખિલેશ યાદવ અને માયાવતી સહિતના વિપક્ષના નેતાઓને આમંત્રણ આપ્યું છે.