- સરકારી જમીનમાંથી મંજુરી વિના હાર્ડ મોરમનું ખોદકામ કરાતુ હતુ
- સ્થળ પર હિટાચી મશીન અને બે ડમ્પરો પણ જપ્ત કરાયા
- ખનીજચોરો સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી કરાશે
સુરેન્દ્રનગરઃ જિલ્લાના ચોટીલા તાલુકાના મોટા કાંધાસર ગામમાં સરકારી જમીન પર ખનન થઈ રહ્યું હોવાની બાતમી મળતા નાયબ કલેકટરની ટીમ દ્વારા ગેરકાયદેસર ખનીજ ખોદકામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ રૂ. 1.41 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સરકારી જમીન પર ખનન કરનારા આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
ચોટિલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મોટા કાંધાસર ગામના ખાનગી સર્વે નંબર 158 અને સરકારી સર્વે નંબર 300 વાળી જમીનમાં આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન હાર્ડમોરમ (કોરર્વેશ)નું કોઈપણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર ખોદકામ ચાલતું હોવાનું જણાયું હતું. સ્થળ પરથી એક હિટાચી મશીન અને બે ડમ્પર સહિત કુલ ત્રણ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ તમામ વાહનોનો કુલ અંદાજિત મુદ્દામાલ રૂ. 1,41,00,000 આંકવામાં આવ્યો છે. જપ્ત કરાયેલો મુદ્દામાલ મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ગેરકાયદેસર ખોદકામ આઇબાબેન મોકાભાઈ દ્વારા કરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. ઉક્ત ઈસમો તેમજ વાહન માલિકો સામે The Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage) Rules, 2017 હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, તમામ સંડોવાયેલા ઈસમો સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

