Site icon Revoi.in

પાલનપુર નજીક રેલવેના રૂ. 9.10 લાખના વીજ થાંભલાની ચોરી કરતા ત્રણ શખસ ઝડપાયા

Social Share

પાલનપુરઃ રેલવેની સંપતી ચોરી જવાના બનાવો પણ હવે બનવા લાગ્યા છે. બનાસકાંઠાના જગાણા રેલવે લાઇનની સમાંતર મુકેલા વીજપોલની ચોરી કરતાં રાજસ્થાન અને બિહારના ત્રણ શખસને પોલીસે દબોચી લીધા હતા. સિક્યુરીટીની આંખોમાં ધૂળ નાંખી આ વીજપોલ ટ્રેલરમાં ભરીને લઇ જાય તે પહેલા સાચી હકીકતની જાણ થતાં આરોપીને ઝડપી લઇ પોલીસને સોંપવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર – જગાણા વચ્ચે રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું છે. જ્યાં જગાણા પાસે લોખંડના વીજળીના થાંભલા મુકવામાં આવ્યા હતા. જે સોમવારે રાત્રે અજાણ્યા શખસો સિકયુરીટીની આંખમાં ધૂળ નાંખી રૂપિયા 70,000નો 1 નંગ એવા રૂપિયા 1,90,000ના કુલ 13 નંગ થાંભલા ક્રેઇન નં. જીજે. 08. એએલ. 1962 દ્વારા ટ્રેઇલર નંબર જીજે. 12. એટી. 8817માં ભર્યા હતા. જોકે, પાલનપુર ગોબરીરોડ વિસ્તારમાં રહેતા સિકયુરીટી ગાર્ડ ગોવિંદ  જીણાભાઇ પટણીને તેની જાણ થતાં તેમણે સિકયુરીટી ઇન્ચાર્જ અખેરાજ  જયસિંહભાઇ ચારણને જાણ કરી હતી. જેમણે ઉચ્ચકક્ષાએ તપાસ કરતાં વીજ થાંભલા ચોરી કરવામાં આવી રહ્યા હોવાનું બહાર આવ્યું હતુ. આથી તાત્કાલિક સ્થળ ઉપર પહોચી થાંભલાની ચોરી કરવા આવેલા ટ્રેઇલર ચાલક રાજસ્થાનના જયપુર જિલ્લાના ફુલેરા તાલુકાના બાડવાના ટીકુસીંગ તેજસીંગ દરોગા તેમજ ક્રેઇન લઇને આવેલા બિહારના સીવાન જિલ્લાના હરીહંસ ગામના સંજયકુમાર ભરતભાઇ યાદવ અને બિહારના અરવલ જિલ્લાના નરગા ગામના પ્રમોદકુમાર ચૌધરીને ઝડપી લઇ પોલીસને સોંપ્યા હતા.

આ અંગે તાલુકા પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. બી..આર.પટેલે જણાવ્યું કે જગાણા નજીક રેલવેના રૂપિયા 9,10,000ના વીજ થાંભલાની ચોરી અંગે અખેરાજભાઇ જયસિંહભાઇ ચારણે ફરિયાદ નોંધાવતાં ત્રણ શખ્સો સામે ગૂનો નોંધી તેમની અટકાયત કરી હતી.