Site icon Revoi.in

દેશના 16થી વધુ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી

Social Share

નવી દિલ્હી, 17 માર્ચ 2026: સમગ્ર દેશના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં માવઠાની સ્થિતિ સર્જાઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા પૂર્વોત્તર રાજ્યો સહિત મધ્ય અને દક્ષિણ ભારતના અનેક હિસ્સાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ-અલગ સ્થળોએ કલાકના તેજ પવન સાથે વાવાઝોડું અને વીજળી પડવાની શક્યતા છે. આ ઉપરાંત, આગામી ૨૪ કલાકમાં અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં ભારે બરફવર્ષાને કારણે પ્રવાસન અને વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને પગલે પ્રખ્યાત ‘અટલ ટનલ’ ને સાવચેતીના ભાગરૂપે હંગામી ધોરણે પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવી છે. પહાડી વિસ્તારોમાં સતત થઈ રહેલી બરફવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ દરમિયાન દેશના અન્ય ભાગોમાં પણ વાતાવરણ અસ્થિર રહેશે. જેમાં મુખ્યત્વે ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને સિક્કિમ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા, હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા અને મેદાની ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે.

હવામાનમાં આવેલા આ અચાનક બદલાવને જોતા ખેડૂતોને તૈયાર પાક સુરક્ષિત રાખવા અને પ્રવાસીઓને પહાડી વિસ્તારોમાં મુસાફરી કરતા પહેલા સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. ગાજવીજ સમયે ખુલ્લા મેદાન કે ઝાડ નીચે ન રહેવા પણ લોકોને અપીલ કરાઈ છે.

વધુ વાંચો: ગુજરાતમાં છેલ્લાં 12 વર્ષમાં વનવિસ્તાર બહાર વૃક્ષોની સંખ્યામાં 47.18 ટકાનો વધારો

Exit mobile version