Site icon Revoi.in

દક્ષિણ ગુજરાતમાં વરસાદનો માહોલ, ડાંગ અને સુરતમાં ધોધમાર વરસાદ

Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે અને સવારથી જ ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ડાંગના વઘઈમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સુરતના માંગરોળમાં ચાર કલાકના સમયગાળામાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં પણ ખુશી ફેલાઈ છે.

છેલ્લા 24 કલાકમાં અડધાથી પોણા છ ઈંચ વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ડાંગ જિલ્લાના વઘઈમાં 141 મીમી એટલે કે, પોણા છ ઈંચ વરસાદ ખાબક્યો હતો તો, સુરતના ઉમરપાડામાં પાંચ ઈંચ, ડાંગના આહવા અને સુબિરમાં ત્રણ-ત્રણ ઈંચ, વલસાડના કપરાડામાં સવા બે ઈંચ. તાપીના સોનગઢ અને ખેડાના કઠલાલમાં બે-બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.

આજે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના ચાર કલાકમાં સુરતના માંગરોળમાં પોણા બે ઈંચ, વલસાડના કપરાડા અને ધરમપુરમાં સવા ઈંચ વરસાદ ખાબક્યો હતો. લાંબા સમય બાદ વરસાદનું આગમન થયા ખેડૂતો ખુશખુશાલ થયા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 82 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. જો કે, ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાયો હતો. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. એટલું જ નહીં વરસાદના અભાવે ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી હતી.