Site icon Revoi.in

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારીની બેઠકમાં મતભેદો સર્જાતા ત્રણ દરખાસ્તો પેન્ડિંગ રખાઈ

Social Share

રાજકોટ  :  જિલ્લા પંચાયતની મળેલી બોર્ડ બેઠકમાં જીઈએમ (જેમ) પોર્ટલ પરથી ખરીદી મામલે વિવાદ સર્જાતા અડધોઅડધ દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી હતી. કહેવાય છે કે, શાસકો અને સત્તાધિસો વચ્ચે મતભેદ સર્જાતા દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી હતી.

રાજકોટ જિલ્લા પંચાયતની કારાબોરી બેઠક મળી હતી. બેઠકના પ્રારંભ પૂર્વે જ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તાક્ષર સાથેનો એક પત્ર કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજાને પાઠવવામાં આવ્યો હતો જેમાં સરકારી ગ્રાન્ટમાંથી થતી ખરીદીમાં સમિતિની મંજૂરી લેવી જરૂરી ન હોવાનો ઉલ્લેખ હોવાથી બેઠકમાં આ બાબત ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. કારોબારી ચેરમેને બેઠક શરૂ થતાની સાથે જ આ પરિપત્ર અંગે સ્પષ્ટતા માગી હતી અને જણાવ્યું હતું કે, સરકારી ગ્રાન્ટના કામોમાં ચૂંટાયેલા સભ્યોની મંજૂરી લેવી જરૂરી ન હોય તો અહીં અમારુ શું કામ છે ? ભવિષ્યમાં કોઈ ગરબડ તેમજ ગેરરીતિ થાય તો જવાબદારી કોની ? તેવો સવાલ કર્યો હતો. અલબત્ત તંત્રએ એવી સ્પષ્ટતા કરી હતી કે, માત્ર સરકારી ગ્રાન્ટના ખર્ચમાં જ આ બાબત લાગુ પડે છે. સ્વભંડોળની ગ્રાન્ટમાંથી થતી ખરીદીમાં સંબંધિત વિભાગોની મંજૂરી જરૂરી જ રહે છે. કારોબારી સમિતિ અને તંત્ર વચ્ચે સામસામી દલીલો થઈ હતી. છેવટે કારોબારી ચેરમેને સરકારી ગ્રાન્ટ આધારિત ત્રણ જેટલી દરખાસ્તને પેન્ડિંગ રાખી દીધી હતી અને બેઠક પૂર્ણ કરી નાખી હતી. સાંસદની ગ્રાન્ટમાંથી આરોગ્ય વિભાગ માટે ખરીદી, પ્રોજેક્ટ મોનીટરીંગ, કમિટીમાં ભરતી તથા એપ્રોચ રોડના બાંધકામની દરખાસ્તોને પેન્ડિંગ રાખવામાં આવી હતી.

આ ઉપરાંત મંજૂર કરાયેલી દરખાસ્તોમાં સ્વભંડોળની ગ્રાન્ટમાંથી 44 લાખના ખર્ચે 280 ઓક્સિજન સિલીન્ડરની ખરીદી ઉપરાંત કોમ્પ્યુટરની ખરીદી તથા જસદણના પાંચવડાના પેટા આરોગ્ય કેન્દ્રના ડિમોલિશનની દરખાસ્તનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિવાદાસ્પદ પરિપત્રને કારણે બેઠક 20-25 મિનિટ મોડી શરૂ થઈ હતી.