Site icon Revoi.in

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સફાઈ કામદારોની કાયમી ભરતી ન કરાતા રેલી યોજાઈ

Social Share

રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા વખતથી સફાઈ કામદારોની કાયમી ભરતી કરતી નથી. કોન્ટ્રાક્ટ પર કે રોજમદાર તરીકે સફાઈ કામદારોની ભરતી કરવામાં આવે છે.  સફાઈ કામદારોની કાયમી ભરતી કરવાની માગ સાથે વાલ્મીકિ સમાજ દ્વારા લાંબા સમયથી રજૂઆતો કરાઈ રહી છે, જોકે વર્ષો બાદ પણ તેમની આ સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવતાં વાલ્મીકિ સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી. શહેરના સિવિલ હોસ્પિટલ ચોક પાસે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતેથી એક રેલી યોજાઈ હતી. જેમાં વાલ્મીકિ સમાજના લોકો મોટી સંખ્યામાં મનપા કચેરી ખાતે પહોંચ્યા હતા. તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવા માગ કરવામાં આવી હતી, જોકે આ તકે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે ખાસ મનપા કચેરીએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશોને છેલ્લા 5 મહિનાથી સફાઈ કામદારની ભરતી માટે રજૂઆતો કરવામાં આવી રહી છે, જેમાં આ માટે અગાઉ અનેક રજૂઆતો કર્યા બાદ જૂન મહિનામાં ધરણાં કરવામાં આવ્યાં હતાં, તત્કાલિન સમયે મેયરે ત્વરિત ભરતી કરવાની ખાતરી આપી હતી. આ વાતને પણ ઘણો સમય વીતી ચૂક્યો છે. આમ છતાં સફાઈ કામદારોની કાયમી ભરતી કરવામાં આવી નથી. તંત્ર અને શાસકપક્ષ દ્વારા જે ખાતરી આપવામાં આવી હતી તે વાતમાંથી ફરી ગયાં છે અને માત્ર લોલીપોપ આપવામાં આવી રહ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં હાલ સફાઈ કામદારોની 2 હજાર જગ્યા ખાલી પડી છે, છતાં તંત્ર અને શાસક પક્ષ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહીને બદલે માત્ર લોલીપોપ આપવામાં આવી રહ્યો છે. છેલ્લે, 1997માં ભરતી થઈ ત્યારે જનસંખ્યા 8 લાખ હતી. હાલ રાજકોટની જનસંખ્યા 22 લાખ આસપાસ છે. કોઠારિયા અને વાવડી જેવા અનેક વિસ્તારો હાલમાં રાજકોટમાં ભળી ચૂક્યા છે, અનેક જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી કરવામાં આવતી નથી. કોન્ટ્રેકટ પ્રથાના નામે સફાઈ કામદારોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. એમાં પણ કોન્ટ્રેક્ટરો 1000 રૂપિયામાં હાજરી પુરાવે છે, અને રોકડમાં વહીવટ થાય છે છતાં તંત્ર દ્વારા ખાતામાં રૂપિયા જમા કરાવવામાં આવતા હોવાના પોકળ દાવા કરવામાં આવી રહ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે, અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આરએમસીમાં 2000 સફાઈ કામદારની ભરતી કરવાનું હજારો લોકો વચ્ચે વચન આપ્યું હતું. તો ક્યાં છે વિજય રૂપાણી? તેમજ ક્યાં છે તેમના ચૂંટણીઢંઢેરા? વાલ્મીકિ સમાજના લોકો આજે 2000-2500 રૂપિયામાં કામ કરવા માટે મજબૂર છે, પરંતુ તેમની વાત સાંભળવામાં પણ કોઈને રસ નથી.