Site icon Revoi.in

રાજકોટઃ 41 ગામમાં RO ફિલ્ટર પ્લાન્ટ અને 12 ગામમાં CCTV કેમેરા ગોઠવાયાં

Social Share

અમદાવાદઃ રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની ગ્રાન્ટમાંથી 15માં નાણાંપંચ હેઠળ રૂ. 169 લાખના ખર્ચે રાજકોટની શાપર પ્રાથમિક શાળા ખાતેથી મંત્રી રાઘવજી પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતુ. મંત્રી રાઘવજી પટેલ અને મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ઈ-તકતી દ્વારા વિવિધ કામોના ઈ – લોકાર્પણ કરવામાં આવ્યા હતા. રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, મિશન જળ શક્તિ અંતર્ગત ગામડાઓમાં પાણીની અછત ના રહે તે માટે રાજકોટ જિલ્લાના 41 ગામોમાં રૂ. 70 લાખના ખર્ચે આર.ઓ. ફિલ્ટર પ્લાન્ટનું કામ તેમજ ગામડાઓમાં કાયદો અને વ્યસ્વ્થા જળવાઈ રહે તે માટે રૂ. 40 લાખના ખર્ચે 12 ગામોમાં સી.સી.ટી.વી.સ્થાપિત કરવામાં આવ્યા છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વથી ગામડાઓમાં પાયાની સુવિધાઓ વિકાસ પામી છે. ગામડાઓમાં વીજળી, પાણી, પાકા રસ્તા, અદ્યતન શાળાઓમાં વિકાસ સાધીને ગામડાઓના સર્વાંગી વિકાસ માટે તાલુકા પંચાયત અને ગ્રામપંચાયતમાં વિવિધ યોજનાઓ અમલી કરાઇ છે. જેમાં જ્યોતિગ્રામ યોજના, સરદાર સરોવર યોજના, નલ સે જલ યોજના, નાના ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન, સખી મંડળની રચના કરીને ગામડાઓને વિકસીત કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, તેઓ પણ સરકારી સ્કૂલમાં ભણેલા છે. અમે માઈક્રોસ્કોપ સિવાય સ્કૂલમાં બીજા કોઈ સાધનો જોયા નહોતા. આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ગામડાના બાળકો પણ શહેરી શાળાના વિદ્યાર્થીઓની હરોળમાં રહી શકે તે માટે જિલ્લાની 11 શાળાઓમાં રૂ. 44 લાખના ખર્ચે ‘સ્ટેમ લેબ’ની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ સુવિધાઓથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે રૂચી વધે તે માટેનો સરકારનો પ્રયાસ છે.

રાજકોટ જિલ્લામાં પ્રોજેક્ટ સોનેરી બાળપણ હેઠળ નાના બાળકોને આંગણવાડી તરફ રૂચી જગાવે તે માટે આંગણવાડીઓના નવીનીકરણની કામગીરી કરવામાં આવી છે. જેમાં ચિત્ર તથા બેઝિક એ.બી.સી.ડી.તથા ક.ખ.ગ.ની સમજ આપે તેવી થીમ આધારિત પેઇન્ટિગ કરવામાં આવેલ છે. જિલ્લાની ૫૦ આંગણવાડીમાં રૂ.15 લાખના ખર્ચે કલર કામ અને નવીનીકરણ કરવામાં આવેલ છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સ્વભંડોળ અંતર્ગત ઉતમ કામ શ્રેષ્ઠ ગામ યોજના અન્વયે ગ્રામ પંચાયતોની શ્રેષ્ઠ કામગીરી બદલ મંત્રીઓના હસ્તે 33 ગ્રામપંચાયતોને રૂ. 1 લાખની ગ્રાન્ટનો ચેક અપાયો હતો.  ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે હું પણ શાપર ગામની શાળાનો વિદ્યાર્થી હતો અને આજે આ શાળામાં અદ્યતન લેબ અને ગામડામાં સુવિધાના લોકાર્પણનો ભાગ બનીને ગર્વની લાગણી અનુભવુ છુ.