Site icon Revoi.in

રાજકોટનો રસરંગ લોકમેળામાં હવે લોક લાગણીને માન આપીને એક દિવસનો વધારો કરાયો

Social Share

રાજકોટઃ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીનાં રસરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. જન્માષ્ટમીના દિને તો ત્રણ લાખથી વધુ લોકો મેળાની મોજ માણવા ઉમટી પડ્યા હતા. પાંચ દિવસીય આ મેળો તા. 9 સપ્ટેમ્બર એટલે કે શનિવાર સુધી યોજાવાનો હતો. પરંતુ  લોક લાગણીને માન આપીને મેળાની મુદ્દતમાં એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને 10 સપ્ટેમ્બરને રવિવારનાં રોજ રસરંગ લોકમેળો ચાલુ રહેશે. લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ લોકોની લાગણીને માન આપીને મેળાની મુદતમાં એક દિવસનો વધારો જાહેર કર્યો છે.

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના લોકમેળા તો ગામેગામ યોજાતા હોય છે. જેમાં રાજકોટનો પાંચ દિવસીય લોકમેળો સૌથી મોટો ગણાય છે. ગામ-પરગામથી મોટી સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા ઉમટી પડતા હોય છે. શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ પર યોજાયેલા રસરંગ લોકમેળાના સતત ચોથા દિવસે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લગભગ 2 લાખ કરતા વધુ લોકોએ મેળાનો આનંદ માણ્યો હતો. અત્યાર સુધીમાં લોકમેળાની મોજ માણનારની અંદાજીત સંખ્યા સાત લાખને પાર પહોંચી હતી. શુક્રવારે બપોર બાદ પણ મેળામાં ઠેર-ઠેરથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ચકડોળ સહિત વિવિધ રાઈડ્સની મોજ માણી હતી.

સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિનો એક ખૂબ જ મોટો ઉત્સવ એટલે રાજકોટનો લોકમેળો ગણાય છે. આ લોક મેળો એટલે મળવાનું, માણવાનું અને જીવનભર જોડાઇ રહેવાનું સ્થળ. રાજકોટનો લોકમેળો નાના-મોટા, ગરીબ, અમીર સૌ સાથે મળી રાંધણ છઠ્ઠથી દશમ સુધી મુલાકાત અવશ્ય લેતા હોય છે. લોકોનું હૈયે હૈયું દળાય તેવી જનમેદની આ પાંચ દિવસ જોવા મળે છે અને લોકો જીવનની આ પળો બાળકો, વૃદ્ધો, કિશોરો સૌની જિંદગીની અમૂલ્ય યાદ બની જાય છે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આયોજિત આ મેળાનાં 6 દિવસ સુધીમાં 12 લાખથી વધુ લોકો મેળાની મજા માણશે તેવો તંત્રનો અંદાજ છે. લોકમેળાની મોજ લેવામાં કોઈ બાકી રહી ન જાય તે માટે કલેક્ટર દ્વારા મેળાની મુદ્દતમાં એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.