Site icon Revoi.in

રામ નવમીઃ ગુજરાત બન્યું રામમય, ઠેર-ઠેર ભવ્ય શોભાયાત્રા યોજાઈ

Social Share

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં આવે રામ નવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ રામજી મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. તેમજ મંદિરો જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યાં હતા. આ ઉપરાંત વિવિધ મંદિરોમાં રામધૂન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તેમજ રાજ્યમાં ઠેર-ઠેર પ્રભુ શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયાં હતા.

આજે રામનવમી નિમિત્તે ખેડા જિલ્લામાં વિવિધ રામ મંદિરો અને સાંઈ મંદિરોમાંથી શોભાયાત્રા કાઢવામાં આવી છે .તે અંતર્ગત ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ ખાતે પશ્ચિમ વિસ્તારમાં આવેલ 20 વર્ષ જૂના  સાંઈ  મંદિર થી ભગવાન શ્રીરામની , શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આણંદ જિલ્લાના વિદ્યાનગરના યુવાનો દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ  રામભક્તો જય શ્રી રામ ના નારા સાથે આ શોભાયાત્રામાં જોડાયા હતા. અમરેલીમાં ભગવાન રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમર, ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવા સહિત રાજ્યભરમાં વિવિધ ધાર્મિક સંગઠનો દ્વારા અલગ-અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં આયોજીત શોભાયાત્રાને લઈને પોલીસ પણ સતર્ક બની ગઈ હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. રામજી મંદિરમાં પ્રભુને વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો.

વડોદરાની મધ્યસ્થ જેલમાં પણ રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં બંધ કેદીઓે સુંદરકાંડનું પઠન કર્યું હતું.  સમગ્ર જેલમાં રામનવમી નિમિત્તે ભક્તિમય વાતાવરણ બની ગયું હતું.