Site icon Revoi.in

અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની વિધિ પૂર્ણ, પીએમ મોદી મુખ્ય અતિથિ તરીકે થયા સામેલ

Social Share

અયોધ્યા: રામનગરીમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થઈ ચુકી છે. ગર્ભગૃહમાં મંત્રોચ્ચાર સાથે પ્રાણપ્રતિષ્ઠા થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે બેઠા છે. આ સિવાય ઘણાં અન્ય ગણમાન્ય લોકો પણ ત્યાં છે. તેમાથી આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત, યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ સામેલ છે. આ સિવાય યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, મુખ્ય અતિથિ અનિલ મિશ્ર અને ડોમરાજા પણ સામેલ છે.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાંદીનું છત્ર લઈને રામમંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યા હતા. તેની સાથે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ હતી. અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ પરિસર પર હેલિકોપ્ટરની મદદથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બપોરે 12 વાગ્યે અને 5 મિનિટે રામમંદિર પરિસરમાં પ્રવેશ કર્યો હતો. પીએમ મોદીએ ક્રીમ કલરની ધોતી અને હળવા પિસ્તા કલરનો કુર્તો પહેર્યો હતો અને ઉપર દુપટ્ટો રાખ્યો હતો. માથા પર તિલક લગાવીને વડાપ્રધાને છત્ર સાથે ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો. પ્રાણપ્રતિષ્ઠાના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વહેરવેશ પર દેશદુનિયાના લોકોની ખાસ નજર છે. તેમના હાથમાં કલાવા અને કાળો દોરો બંધેલા છે અને ખિસ્સામાં ચમકતી પેન પણ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે વિશેષ વિમાનથી અયોધ્યા એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાંથી હેલિકોપ્ટરમાં સવાર થઈને સ્થળ પર પહોંચ્યા હતા. અહીં તેમણે રામમંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકોની મુલાકાત કરી હતી. બાદમાં લગભગ 12 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમ સ્તાને પહોંચ્યા. તેમણે ગર્ભગૃહમાં પહોંચી છત્રને મંદિરના પૂજારીને સોંપીને તેમણે પ્રાણપ્રતિષ્ઠાની પૂજાનો સંકલ્પ લીધો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણપ્રતિષ્ઠાની પૂજાના ક્ર્યક્રમમાં બપોરે 1 વાગ્યા સુધી રહ્યા. તેના પછી તેમનું સંબોધન થવાનું છે. બાદમાં તેઓ બપોરે બે વાગ્યે કુબેર ટીલા પહોંચીને શિવમમંદિરમાં પૂજા અર્ચના કરશે. બપોરે ત્રણ વાગ્યે તેઓ અયોધ્યાથી પાછા દિલ્હી જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને અયોધ્યામાં ચુસ્ત-દુરસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાધુનિક સંસાધનોથી સુરક્ષા ચક્રો તૈયાર કરાયા છે. સરયૂ નદીમાં ઘણી સ્ટીમર પર પોલીસકર્મીઓ તહેનાત છે. એસપીજી અને એનએસજીના અધિકારીઓએ રામજન્મભૂમિ પરિસર અને મુખ્ય સ્થાનો પર સુરક્ષાકર્મીઓને તહેનાત કરાયા છે.