Site icon Revoi.in

બળાત્કાર કેસઃ આસારામના પુત્ર નારાયણ સાંઈની મુશ્કેલી વધી, બે સપ્તાહના ફર્લો રદ

Social Share

દિલ્હીઃ બળાત્કાર કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઈની મુશ્કેલીમાં વધારો થયો છે. સાંઈને હાઈકોર્ટે આપેલા બે સપ્તાહના ફર્લોને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો છે.

કેસની હકીકત અનુસાર સુરતના જહાંગીરપુરા સ્થિત આસારામ આશ્રમમાં 2001માં આયોજીત એક કાર્યક્રમમાં સાધિકા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ વર્ષ 2013માં નારાયણ સાંઈ સામે સુરત પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ કેસમાં પોલીસે સાંઈની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. દરમિયાન વૃદ્ધ પિતાની બીમારીને કારણે સાંઈએ હાઈકોર્ટમાં બે સપ્તાહના ફર્લો માટે અરજી કરી હતી. અદાલતે સુનાવણીના અંતે તેમની અરજી મંજૂર રાખી હતી. હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેની સુનાવણીમાં સરકારે રજૂઆત કરી હતી કે, સાંઈ ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાથી ફર્લો આપી ના શકાય. તેમજ જેલમાંથી મુક્તિ આપવામાં આવે તો કેસને અસર પડવાની શકયતા છે.

દરમિયાન સુપ્રીમ કોર્ટે સુનાવણીના અંતે સાંઈને બે સપ્તાહના ફર્લો આપનો ઈન્કાર કરીને ગુજરાત હાઈકોર્ટના આદેશને રદ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન પોલીસે બળાત્કાર કેસમાં આસારામની ધરપકડ કરી હતી. એટલું જ નહીં અમદાવાદ સ્થિત આસારામ આશ્રમ સંચાલિક ગુરૂકુળમાં અભ્યાસ કરતા બે બાળકોને દીપેશ-અભિષેકના અપમૃત્યુ કેસમાં પણ આસારામ અને તેમના આશ્રમ સામે ગંભીર આક્ષેપ થયાં હતા. જેની તપાસ માટે તપાસ પંચની રચના કરવામાં આવી હતી.