Site icon Revoi.in

કોરોનાને લીધે મંદીમાં સપડાયેલા ટ્રાવેલર્સ બેન્ક લોનના હપતા પણ ભરી શક્તા નથીઃ 70 ટકા બસ વેચવા માટે કઢાઈ

Social Share

અમદાવાદઃ કોરોનાને લીધે ટ્રાવેલ્સ ઉદ્યાગને ખૂબ નુકશાન થયું છે. ટ્રાવેલ્સ અને ટૂરિઝમ બિઝનેસ સવા વર્ષથી ઠપ થઈ ગયો છે, જેના લીધે રાજ્યમાં 16 હજાર ટ્રાવેલ્સ બસોમાંથી 70 ટકા જેટલી વેચવા માટે કઢાઈ છે. અત્યારસુધીમાં અમદાવાદની 500 સહિત રાજ્યમાં 1500 બસો વેચાઈ ગઈ છે. હજી બાકી રહેલી 14 હજાર બસમાંથી નાના બસ-સંચાલકો સહિત જાણીતી ટ્રાવેલ્સ કંપનીના માલિકોએ બિઝનેસ ઠપ હોવાથી લોનના હપતા અને આરટીઓ ટેક્સ ભરવામાં પડતી મુશ્કેલી તેમ જ વાહન ઘસારાના લીધે અંદાજે 70 ટકા બસ વેચવા કાઢી છે. ધંધો ઠપ થવાથી 85 ટકા બસો પાર્કિંગમાં પડી રહી છે, જ્યારે 15 ટકા બસો કોન્ટ્રેક્ટ પર દોડી રહી છે.

છેલ્લા સવા વર્ષમાં ટ્રાવેલ્સ, ટૂરિઝમ બિઝનેસ સાથે સંકળાયેલા હોટલ, રેસ્ટોરાં, વર્કશોપ, કેટરિંગ અને એરલાઇન્સ સહિતના વ્યવસાયને અંદાજે બે હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે, જેના માટે સરકારે છ મહિના આરટીઓ ટેક્સ માફી સિવાય અન્ય કોઈપણ પ્રકારની રાહત આપી ન હોવાનો ગુજરાત ટૂરિસ્ટ વેહિકલ ઓપરેટર એસોસિયેશનના સભ્યોએ રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે સ્ક્રેપમાં આપેલી 50 બસનો આંકડો કુલ બસમાં સમાવાયો નથી. હજી દિવાળી સુધી બિઝનેસ શરૂ થવાની શક્યતા નહિવત છે ત્યારે સરકારે એક વર્ષની મર્યાદા સાથે રાહત પેકેજ જાહેર કરવું જોઈએ. સરકારના ટૂરિઝમ વિભાગ સાથે ટ્રાવેલ્સ-માલિકોને સાંકળવા જોઈએ. આ વિભાગ પાસે પૂરતી યાદી નથી, આથી સાચા આંકડા મળતા નથી. આ અંગે ચેમ્બરમાં રજૂઆત કરી છે. એક ટ્રાવેલર્સે જણાવ્યું હતું કે બિઝનેસ ઠપ હોવાથી 70 બસ વર્ષથી બહાર કાઢી ન હતી, આથી 80માંથી 12 બસ વેચી છે, 5 બસ સ્ક્રેપમાં આપી છે. હજુ 63 બસ વેચવાની બાકી છે, પણ કોઈ લેનાર નથી. દેવું વધી જાય એ પહેલાં હું તમામ બસ વેચીને ટ્રાવેલ્સ વ્યવસાય સમેટી લેવા માગું છું.