આજના સમયમાં લોકો સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ પૂરતું ધ્યાન રાખતા થયા છે. જ્યારે હેલ્ધી ડાયટની વાત આવે ત્યારે ‘સોયા’ પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. આ વાનગીની ખાસિયત એ છે કે તે ઘરમાં રહેલી સાદી સામગ્રીમાંથી જ ઝડપથી તૈયાર થઈ જાય છે. મસાલેદાર અને ચટાકેદાર સોયા ચિલી તમે નાસ્તામાં, સ્ટાર્ટર તરીકે અથવા ફ્રાઈડ રાઈસ અને રોટલી સાથે પણ સર્વ કરી શકો છો.
- સામગ્રી
સોયા ચંક્સ: 1 કપ
ડુંગળી: 1 (સમારેલી)
કેપ્સિકમ (શિમલા મરચું): 1 (સમારેલું)
લસણ: 4-5 કળી (ઝીણી સમારેલી)
આદુ: 1 નાનો ટુકડો
લીલા મરચાં: 2
સોસ: 2 ટેબલસ્પૂન સોયા સોસ, 1 ટેબલસ્પૂન ટોમેટો સોસ, 1 ટેબલસ્પૂન ચિલી સોસ
મસાલા: 1 નાની ચમચી કાળા મરીનો પાવડર, મીઠું સ્વાદ મુજબ
અન્ય: 1 ચમચી કોર્ન ફ્લોર, 2 ટેબલસ્પૂન તેલ, કોથમીર
- બનાવવાની સરળ રીત
સૌથી પહેલા સોયા ચંક્સને 5-7 મિનિટ માટે ગરમ પાણીમાં ઉકાળી લો. ત્યારબાદ તેનું વધારાનું પાણી નીચોવીને કાઢી નાખો. એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં લસણ, આદુ અને લીલા મરચાં નાખીને હળવા સાંતળી લો. હવે તેમાં સમારેલી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરીને 2-3 મિનિટ સુધી પકાવો. હવે તેમાં બાફેલા સોયા ચંક્સ ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ સોયા સોસ, ટોમેટો સોસ અને ચિલી સોસ ઉમેરો. એક નાના બાઉલમાં કોર્ન ફ્લોર અને થોડું પાણી મિક્સ કરી ઘોલ બનાવો અને તેને કડાઈમાં ઉમેરો. તેનાથી ગ્રેવી ઘટ્ટ અને ચમકદાર બનશે. મીઠું અને કાળા મરીનો પાવડર નાખી 2 મિનિટ ચઢવા દો. છેલ્લે ઉપરથી લીલી કોથમીર ભભરાવીને ગેસ બંધ કરી દો. ગરમા-ગરમ સોયા ચિલી પીરસવા માટે તૈયાર છે! તમે તેને ફ્રાઈડ રાઈસ, નૂડલ્સ કે ગરમા-ગરમ પરાઠા સાથે માણી શકો છો.
આ પણ વાંચોઃ ઈરાન સંકટ પર એક્શનમાં મોદી સરકાર: અમિત શાહના નેતૃત્વમાં સ્પેશિયલ-3 કમિટીની રચના

