Site icon Revoi.in

આયુષ્માન ભારત યોજના હેઠળ અત્યાર સુધીમાં 1.91 લાખ કરોડની રેકોર્ડબ્રેક કેશલેસ સારવાર પૂરી પાડવામાં આવી

Social Share

નવી દિલ્હી, 18 જુલાઈ 2026: નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) દ્વારા નવી દિલ્હી સ્થિત મધ્યપ્રદેશ ભવન ખાતે બે દિવસીય રાષ્ટ્રીય સમીક્ષા બેઠક એટલે કે ‘ચિંતન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કેન્દ્ર અને તમામ રાજ્યોના ઉચ્ચ અધિકારીઓએ એકસાથે બેસીને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને આયુષ્માન ભારત ડિજિટલ મિશનના આગામી તબક્કાના અમલીકરણ માટેનો માસ્ટર રોડમેપ તૈયાર કર્યો છે.

આ મંથન સત્રમાં ડિજિટલ હેલ્હ સેવાઓનો વિસ્તાર, ક્લિનિકલ ગવર્નન્સ, દાવા વ્યવસ્થાપન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ પર વ્યાપક ચર્ચા થઈ હતી. આ ઐતિહાસિક ચિંતન શિબિરનું ઉદ્ઘાટન આયુષ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે કર્યું હતું. આ પ્રસંગે તેમણે NHA નો વાર્ષિક અહેવાલ સત્તાવાર રીતે જાહેર કર્યો હતો અને રાજ્યોમાં કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા માટે જિલ્લા અમલીકરણ એકમ, લાભાર્થી સશક્તિકરણ અને હોસ્પિટલ એમ્પેનલમેન્ટ મોડ્યુલની નવી માર્ગદર્શિકાઓ રજૂ કરી હતી.

કેન્દ્રીય મંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં આધુનિક એલોપેથી અને પ્રાચીન આયુષ પ્રણાલી બંનેને જોડીને એક મજબૂત હેલ્થ ઇકોસિસ્ટમ બનાવવામાં આવી રહી છે. યોજનાની સિદ્ધિઓ અંગે તેમણે નોંધ્યું કે આયુષ્માન ભારત હેઠળ ૩૭,૦૦૦ થી વધુ પેનલ્ડ હોસ્પિટલો દ્વારા અત્યાર સુધીમાં 1.91 લાખ કરોડ રૂપિયાથી વધુની કેશલેસ સારવાર પૂરી પાડવામાં આવી છે, જે તેને વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના બનાવે છે. આ ઉપરાંત ડિજિટલ મિશન હેઠળ અત્યાર સુધીમાં ૯૪ કરોડથી વધુ આયુષ્માન ભારત આરોગ્ય ખાતા (ABHA) નંબર જનરેટ કરવામાં આવ્યા છે, અને ૧૦૦ કરોડથી વધુ આરોગ્ય રેકોર્ડ ડિજિટલ રીતે લિંક થઈ ચૂક્યા છે.

મિશનના નવા તબક્કાનો ધ્યેય ફક્ત ડિજિટલ રેકોર્ડ બનાવવાનો નથી પરંતુ નાગરિકોને સીમલેસ, સરળ અને ડિજિટલ આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે. NHA ના સીઇઓ ડૉ. સુનિલ કુમાર બાર્નવાલે રાજ્યોને અપીલ કરી હતી કે હોસ્પિટલોની સારવારની ગુણવત્તા સુધારવા માટે હવે મોટા પાયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા એનાલિટિક્સ જેવી ઉભરતી ટેકનોલોજીનો ઉપયોગ વધારવો અનિવાર્ય બન્યો છે.

બેઠકમાં આરોગ્ય સેતુ 2.0, આયુષ્માન એપ, આયુષ્માન સારથી વોટ્સએપ ચેટબોટ, નેશનલ હેલ્થ ક્લેમ્સ એક્સચેન્જ અને યુનિફાઇડ હેલ્થ ઇન્ટરફેસ જેવી ડિજિટલ પદ્ધતિઓની પ્રગતિની સમીક્ષા કરાઈ હતી. વહીવટીતંત્રે આગામી સમયમાં દેશના તમામ પાત્ર લાભાર્થીઓનું ૧૦૦% કવરેજ કરવા, આશા અને આંગણવાડી કાર્યકરોની ફરજિયાત નોંધણી કરવા તેમજ વરિષ્ઠ નાગરિકો માટેની આયુષ્માન વય વંદના યોજનાના અમલીકરણને વધુ વેગ આપવા રાજ્યોને આદેશ આપ્યા છે. શિબિરના પ્રથમ દિવસે AIIMS નવી દિલ્હી દ્વારા હેલ્થકેરમાં AI ના ઉપયોગ પર વિશેષ પ્રેઝન્ટેશન અપાયું હતું, જ્યારે બીજા દિવસે હેલ્થ ફાઇનાન્સિંગ, ડેટા વિશ્લેષણ, નવીનતા અને રાજ્યોની શ્રેષ્ઠ પદ્ધતિઓ પર મંથન યોજાશે.

Exit mobile version