Site icon Revoi.in

“ભારત જેવી લોકશાહીમાં જનમાધ્યમો  પર સ્વસ્થ અને સ્વચ્છ માહિતીનું પ્રસારણ અનિવાર્ય”

Social Share

ભારતીય વિચાર મંચ દ્વારા “ફેક ન્યુઝ: વૈશ્વિક સમસ્યા, સ્થાનિક નિવારણ” વિષયે  પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી યોજાઇ

અમદાવાદ:  “ભારત જેવી વિશાળ લોકશાહીમા જનમાધ્યમો પર સ્વસ્થ અને સ્વચ્છ માહિતીનું પ્રસારણ અનિવાર્ય છે. આજે ડિજિટલ ટેકનોલોજીના યુગમાં ફેક ન્યુઝ કે ફેક કન્ટેન્ટે એક વૈશ્વિક સમસ્યાનું સ્વરૂપ લીધું છે. વિશ્વના તમામ દેશો અને ટેક કંપનીઓ આ સમસ્યાનો હલ લાવવા ઝઝૂમી રહી છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં યુઝર જનરેટેડ કન્ટેન્ટ બનતું હોવાથી સરકાર અને ટેક કંપનીઓની સાથે વ્યક્તિગત રીતે આપણી પણ જવાબદારી વધી જાય છે”. તાજેતરમાં ભારતીય વિચાર મંચ અમદાવાદ દ્વારા “ ન્યુઝ: વૈશ્વિક સમસ્યા, સ્થાનિક નિવારણ” વિષયે યોજાયેલી પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠીમાં ઉદ્બોધન કરતા મુખ્ય વક્તા અને એનઆઇએમસીજેના નિયામક ડૉ શિરીષ કાશીકરે જણાવ્યું હતું.

ફેક ન્યુઝ કે કન્ટેન્ટ શબ્દનું વિશ્લેષણ કરતાં ડૉ  કાશીકરે જણાવ્યું હતું કે “પરંપરાગત માધ્યમોમાં તો હજુ પણ રિપોર્ટર થી માંડીને તંત્રી સુધીના અલગ-અલગ સ્તરના ફિલ્ટર હોય છે જેનાથી ઇરાદાપૂર્વક ખોટી માહિતી વાચકો કે દર્શકો સુધી જવાની સંભાવના ન્યૂનતમ હોય છે પરંતુ સોશિયલ મીડિયામાં ખોટી માહિતી, ઇરાદાપૂર્વક તૈયાર કરાયેલી ખોટી માહિતી અને રાજકીય હેતુઓ માટે માહિતી લીક કરવાની હોડ ચાલે છે, જેનાથી સોશિયલ મિડીયા જેવા જનમાધ્યમોની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા થાય છે. ક્યારેક સોશિયલ મીડિયાના ઉપયોગકર્તા કટાક્ષ, પેરોડી ને પણ ગંભીરતાથી લઇ હોબાળો મચાવતા હોય છે. તો જૂઠાણાં, પ્રોપેગન્ડા અને તોડીમરોડીને રજૂ કરાતા તથ્યો પણ લોકોને ભ્રમિત કરે છે.”

ડો. કાશીકરે આ પ્રકારની સ્થિતિમાંથી બહાર આવવાની તેમજ ફેક ન્યુઝને ઓળખવાની પદ્ધતિઓ પર પ્રકાશ ફેંકતા કહ્યું હતું કે “આ પ્રકારની માહિતીને ઓળખી લીધા પછી તેને આગળ વધતી અટકાવવી એ પ્રાથમિક ઉપાય છે. આ ઉપરાંત જે તે વ્યક્તિને બ્લોક કરવા, રિપોર્ટ કરવા જેવી પ્રક્રિયા કરવી જોઇએ, હવે ઘણા માધ્યમો  ફેકટ ચેકિંગની વ્યવસ્થા કરે છે તેનો ઉપયોગ કરીને સત્યને સમજી શકાય છે.”

ખોટી માહિતીનો પ્રચાર પ્રસાર રોકવો એ માત્ર સરકાર અને ટેક કંપનીની જવાબદારી નથી, આપણે લોકશાહી દેશના નાગરિક તરીકે જાગૃતિ કેળવવી પડશે, સાયબર કાયદાઓનો જરૂર જણાયે ઉપયોગ પણ કરવો પડશે કારણ કે સ્વસ્થ સમાજ અને લોકશાહી માટે તે અત્યંત જરૂરી છે તેમ ડૉ કાશીકરે જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત પ્રબુદ્ધજનો સાથે રસપ્રદ પ્રશ્નોત્તરી પણ થઈ હતી. કાર્યક્રમના પ્રારંભે ભારતીય વિચાર મંચના સહમંત્રી દિનેશ પટેલે પુસ્તક આપી વક્તાને આવકાર્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રા. હરદીપસિંહ ગોહિલે કર્યું હતું.