Site icon Revoi.in

અરવિંદ બોસમિયા એક એવા પત્રકાર હતા, કે જેમને અરુણ જેટલી ગુરુજી કહેતા હતા

Social Share

અમદાવાદ: થોડીક વાર પહેલા વરિષ્ઠ પત્રકાર શીલા ભટ્ટની ટ્વીટ જોઇ અને ખબર પડી કે અરવિંદ બોસમિયા નથી રહ્યા. ત્યારે જોયું કે શીલાની ટ્વીટ પર કમેન્ટ કરતા અન્ય એક મોટા પત્રકાર અશોક મલિકે પણ તેમને શ્રદ્વાંજલિ પાઠવી છે. દિલ્હીના મીડિયા વર્તુળમાં આ બન્ને મશહૂર નામ છે, તે લોકો તેમને યાદ કરતા હતા જેમણે ક્યારેય દિલ્હીમાં રહીને પત્રકારિતા નથી કરી અને દિલ્હીના મોટા ભાગના પત્રકારોએ જેના વિશે ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય.

આવું જ વ્યક્તિત્વ ધરાવતા હતા અરવિંદ બોસમિયા. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આજે સવારે તેમનું નિધન થયું. બોસમિયા આ વિસ્તારમાં આવેલા એક મંદિરના નાના ઓરંડામાં છેલ્લા કેટલાક સમયથી રહેતા હતા. તેમના અંતિમ સંસ્કારમાં પણ કોઇ વ્યક્તિ સામેલ ના થઇ શક્યું. બહેન રાજકોટમાં રહે છે અને મોટા ભાગના સંબંધીઓ વિદેશમાં સ્થાયી છે. આ સમયમાં તેમને મુખાગ્નિ પણ તેમને પ્રેમ કરનારા લોકોએ જ આપી. એ લોકોએ જેમને બોસમિયાએ હિંદુત્વના ગૂઢ બિંદુઓ વિશે સમજાવ્યું હતું.

આજના સમયમાં હિંદુત્વ, રાષ્ટ્રવાદ, જેહાદી આતંકવાદ જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરનારા હજારો લકો મીડિયાની અંદર અને બહાર મળી જશે. પરંતુ બે દાયકા પહેલા માહોલ કંઇક અલગ જ હતો. તે સમયે દેશમાં બોસમિયા જેવા ગણતરીના લોકો હતા, જેઓનું હિંદુત્વનું જ્ઞાન માત્રને માત્ર જય શ્રી રામ સુધી સીમિત ન હતું, પરંતુ હિંદુત્વના જ્ઞાનનો વિપુલ ભંડાર હતો.

વર્ષ 2002માં જ્યારે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી થવાની હતી અને તેની પહેલા ગૌરવ યાત્રા માટે પ્રચાર સામગ્રી તૈયાર થવાની હતી, એ સમયનો એક કિસ્સો ખૂબ જ પ્રચલિત છે. એ સમયે પાર્ટીમાં અટલ-અડવાણી યુગ પોતાની ચરમસીમાએ હતો. કોઇપણ કાર્યક્રમ, કોઇપણ પ્રચાર સામગ્રી, તેઓની તસવીરો વિના કલ્પના નહોતી થઇ શકતી. જો કે વર્ષ 2002માં મોદીની લોકપ્રિયતા ટોચ પર હતી. મીડિયા અને વિપક્ષનું મોદી વિરોધી વલણ હોવા છતાં તેઓ લોકપ્રિય હતા. તે સમયે ત્રણ પોસ્ટર તૈયાર થયા હતા. વિકલ્પ તરીકે. એકમાં માત્ર મોદીજીની તસવીર, બીજામાં મોદી અને લાલકૃષ્ણ અડવાણીની તસવીર. ત્રીજા વિકલ્પ વાળા પોસ્ટરમાં અડવાણીની સાથે વાજપેયની તસવીર હતી.

આ મૂંઝવણભરી સ્થિતિમાં જેટલીજીએ બોસમિયાની સલાહ લીધી. બોસમિયાએ સલાહ આપતા કહ્યું હતું કે, આ ચૂંટણીમાં આપના પ્રચારનું એન્જિન નરેન્દ્ર મોદી છે, તેની પાછળ જેટલા ડબ્બા લગાડશો, એન્જિનની ઝડપ ધીમી થઇ જશે અને તે જ હિસાબથી બેઠકો પણ ઘટશે. તેથી બહેતર એ જ રહેશે કે તમે પહેલો વિકલ્પ પસંદ કરો અને માત્ર નરેન્દ્ર મોદીની તસવીર ધરાવતા પોસ્ટરનો ઉપયોગ કરો. જેટલીને બોસમિયાની આ વાત ગમી અને એ જ રીતે માત્ર મોદીને કેન્દ્રમાં રાખીને પ્રચારની સંપૂર્ણ રણનીતિ ઘડી. આજે મોદીને કેન્દ્રમાં રાખીને પ્રચારની આ વાતો સામાન્ય લાગી શકે છે, પરંતુ તે સમયે કોઇએ વિચાર્યું પણ નહીં હોય. ત્યારે મોદીનું કદ પણ મોટું નહોતું કે ન તો અટલજી કે અડવાણીજીનું. ઇતિહાસ સાક્ષી છે કે એ ચૂંટણી પછી ગુજરાતમાં થયેલી તમામ ચૂંટણી મોદીને કેન્દ્રમાં રાખીને લડવામાં આવી અને ત્યારબાદ વર્ષ 2014, 2019ની લોકસભા ચૂંટણી ઉપરાંત રાજ્યોની ચૂંટણીમાં પણ મોદીજીને કેન્દ્રમાં રાખીને જ ચૂંટણી લડાઇ રહી છે.

બોસમિયાના એક સૂચને એ સમયે જેટલીજીના માનસપટ પર જે બોસમિયાજીની જે છાપ ઉભી કરી હતી, તે હંમેશા તેમના મનમાં રહી. એટલે જે જેટલીજી હંમેશા બોસમિયાને ગુરુજી કહેતા હતા. એ જેટલી કે જેની વિદ્વતાને સંપૂર્ણ ભારત માનતું હતું અને જેમની કમ્યુનિકેશન અને મીડિયા પર પકડ હંમશા મજબૂત રહેતી. અનેક પત્રકારો માટે જેટલીજીના દરેક બોલ એક ન્યૂઝ સમાન હતા. જેટલીજી ખુદ આ જ ભાવથી બોસમિયાજીને ધ્યાનપૂર્વક સાંભળતા જ્યારે તેઓ અમદાવાદ તેમની મુલાકાતે આવતા.

બોસમિયાજીથી મારી મુલાકાત લગભગ 21 વર્ષ પહેલા થઇ, જ્યારે વર્ષ 1999માં ગુજરાતની મુલાકાત લેવાનું થયું. સાઇકલ પર સવાર બોસમિયા, આંખો પર મોટા કાળા ચશ્મા, મૂંછો, સફેદ વસ્ત્રો. પ્રથમ નજરે જ આકર્ષક ના લાગે તેવું વ્યક્તિત્વ, અધુરામાં પૂરું વાણી પણ એટલી કડવી કે કોઇ સહન જ ના કરી શકે. સામે વાળાના મોં પર લપડાક સાથે કડવી વાત કહી દેવી એ તેમનો સ્વભાવ. તેમના આ જ સ્વભાવને કારણે તેમના વર્તુળમાં ઓછા લોકો હતા. મોટા કદના નેતાઓ પણ તેમના જ્ઞાનથી ડરતા હતા, કોને ક્યારે શું કહી દે તેની કલ્પના ના કરી શકાય.

24 કેરેટ ઇમાનદાર બોસમિયાએ સંપૂર્ણ જીવન સાયકલમાં વ્યતિત કર્યું. રહેવા માટે ક્યારેય પોતાનું ઘર પણ ના રહ્યું. જો કે ભણવાની તેમની ભૂખ ક્યારેય ઓછી ના થઇ. ખંભા પર રહેલી થેલીમાં કોઇને કોઇ પુસ્તક રહેતું હતું. સાથે જ નોટબૂક પણ. તેઓની મહારથ મુખ્યત્વે જેહાદી આતંકવાદ, રાષ્ટ્રીય સમસ્યાઓ-પડકારો, હિંદુત્વ અને દક્ષિણીપંથી રાજનીતિ જેવા વિષયો પર હતી. આ જ કારણ હતું કે એક તરફ જ્યાં દિલ્હીથી અમદાવાદ આવનારા પત્રકારો તેઓને આ વિષયો પર વિશ્લેષણ હાંસલ કરવા પ્રયાસ કરતા હતા તો બીજી તરફ રો અને મિલિટ્રી ઇન્ટેલિજન્સથી જોડાયેલા અધિકારીઓ તેઓને ઇસ્લામિક આતંકવાદી સંગઠનોનો મૂળ સ્વભાવ તેમજ વિકાસના કારણો વિશે જાણવા આવતા હતા.

બોસમિયાનું સંપૂર્ણ જીવન અસ્તવ્યસ્ત રહ્યું છે. મોટા ભાગના તેમના નિકટવર્તીઓને પણ ખ્યાન ના રહ્યો કે અરવિંદ બોસમિયા જે ભારતીય રાષ્ટ્રવાદ પર ગહન જ્ઞાન ધરાવતા હતા, તેઓનો પોતાનો પાસપોર્ટ બ્રિટિશ હતો. તેની પણ એક રસપ્રદ કહાણી છે. હકીકતમાં, મૂળ કચ્છી ખત્રી સમુદાયના સભ્ય અરવિંદ બોસમિયાનો જન્મ ઇસ્ટ આફ્રિકામાં થયો હતો, જ્યારે તે વિસ્તાર બ્રિટિશ કોલોનીનો હતો. ત્યાં જન્મયા હોવાથી તેઓનો પાસપોર્ટ પણ બ્રિટિશ હતો. 5 ઑગસ્ટ 1950માં જન્મેલા બોસમિયાની સાતમાં ધોરણ સુધીનો અભ્યાસ ત્યાં રહ્યો. જ્યાં તેમના પિતા રેલવેમાં કામ કરતા હતા. ત્યારબાદ ત્યાં ઉથલપાથલ થતા બોસમયાને રાજકોટ મોકલવામાં આવ્યા. ત્યાં તેમણે રાજકુમાર કોલેજમાં આગળનો અભ્યાસ કર્યો હતો. જો કે બોસમિયાના સ્વભાવમાં ક્યારેય રાજસી ગુણ ના આવ્યા અને હંમેશા અકડ સ્વભાવ રહ્યો.

સ્કૂલનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ બોસમિયા અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ભણવા આવ્યા. તે સમયે પરવીન બાબી પણ ત્યાં જ અભ્યાસ કરતી હતી, જે મૂળ રીતે જૂનાગઢના નવાબી પરિવાર સાથે નાતો રાખતી હતી. બોસમિયાને ક્યારેય પણ બોલિવૂડ પ્રત્યે લગાવ નથી રહ્યો. માત્ર ક્યારેક સોસાયટી મેગ્ઝીનની ઓફિસમાં બેસીને દિવ્યા ભારતી સાથે વાત કરતા. પરવીન બાબીની જેમ બોસમિયા પણ અપરિણીત રહ્યા હતા.

કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ ઇંગ્લેન્ડ નોકરી કરવા માટે ગયા. તેઓ તે સમયની મશહૂર કાર કંપની આલ્ફા રોમિયોમાં નોકરીએ લાગ્યા. એક દિવસ પોતાના મેનેજર સાથે વાત કરતા હતા, ત્યારે મેનેજરે કહ્યું કે, તમે ભારતીય લોકો પોતાની જડોથી બંધાયેલા રહેતા નથી. આ સાંભળીને જ યુવા રહેલા બોસમિયા ક્રોધિત થયા. કહ્યું કે, અમારા ભારતીયોની જડો તો વર્ષો જૂની, વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ મનાતા વેદમાં તપાસીએ છીએ. તમે અંગ્રેજી લોકો તો શ્વાનની નસ્લ નક્કી કરવામાં જ મૂંઝવણ અનુભવો છો. બાદમાં બોસમિયા રાજીનામું આપીને ભારત પરત ફર્યા.

બોસમિયાનો સ્વભાવ કોઇપણ વસ્તુમાં ઊંડાણમાં જવાનો હતો. તેઓ આવકવેરા વિભાગમાં પણ લાંબો સમય સુધી કાર્યરતા ના રહ્યા. કારણ કે ત્યાં પણ ઊંડાણપૂર્વક જોયું તો માત્ર ભ્રષ્ટાચાર દેખાતો હતો. તેઓ ભ્રષ્ટાચાર સહન નહોતા કરી શકતા. એટલે માત્ર બે વર્ષ બાદ આવકવેરા વિભાગની નોકરી પણ છોડી દીધી.

બોસમિયાએ ત્યારબાદ પત્રકાર જીવનની શરૂઆત કરી. વર્ષ 1980માં ઇન્ડિયન એક્સપ્રેસમાં નોકરી કરી. પાંચ વર્ષ ત્યાં નોકરી કરી. ત્યારબાદ બ્લીટ્ઝ અને ત્યારબાદ ફ્રીલાંસિંગ કામ પણ કર્યું. આ દરમિયાન તેઓએ અનેક સંશોધન લેખ પણ લખ્યા. બોસમિયાએ જ પોતાની ઝીણવટભરી નિરીક્ષણ ક્ષમતા અને તમામ વૈજ્ઞાનિકો અને ભરવાડો સથે વાતચીત કરીને એ નિષ્કર્ષ પર આવ્યા હતા કે પશુઓ પણ સમલૈંગિક હોય છે. ખાસ કરીને ગધેડાઓમાં સમલૈંગિકતા વધુ જોવા મળે છે.

જો કે આ બધા કામથી પણ બોસમિયાને માત્ર એટલી આવક થતી હતી કે પોતાનું ભોજન-પાણીનો ખર્ચ કાઢી શકે. જીવન વ્યતિત કરી શકે. રહેવાની વ્યવસ્થા પણ તેમના ચાહક રહેલા ડોક્ટર રમેશ ભંડારીએ કરી. બાદમાં ભંડારી પરિવારમાં ઝઘડો થતા બોસમિયાને આજગ્યા છોડવી પડી અને ત્યારબાદ કેટલાક સમય માટે પોતાની બહેનને ત્યાં રાજકોટ રહ્યા અને થોડાક મહિનાઓ બાદ અમદાવાદના એક મંદિરમાં રહ્યા જ્યાં મંદિરના એક ઓરંડામાં તેઓએ અંતિમ શ્વાસ લીધા.

થોડાક સમય પહેલા તેઓની વાત અમદાવાદના એક વરિષ્ઠ પત્રકાર વીરેન્દ્ર પંડિત સાથે થઇ હતી. ત્યારે તેમણે ભારતીય પાસપોર્ટ બનાવડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બોસમિયાજીના મનમાં રહ્યું હશે કે હવે કદાચ નવા કાનૂનો અનુસાર વગર અનુમતિએ બ્રિટિશ પાસપોર્ટ પર ભારતમાં પત્રકારત્વ નહીં થઇ શકે. બોસમિયા પોતાની આ ઇચ્છા પૂરી કરી શકે એ પહેલા જ તેમનું નિધન થયું છે.

(સંકેત)