Site icon Revoi.in

‘મારી લિવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા – થર્ડ ઈનીંગ’ પુસ્તકનું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે વિમોચન

Social Share

અમદાવાદ: દિલીપભાઈ દેશમુખ ‘દાદા’ના શરીરમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. તેમણે લોકોમાં અંગદાનની વૃત્તિ વધે તેમજ આવા ગંભીર ઓપરેશન સમયે આત્મવિશ્વાસ કેળવાય તેવા ઉમદા ઉદ્દેશ્યથી પોતાના લીવર ટ્રાન્સપ્લાન્ટના અનુભવ પર આધારિત તૈયાર કરેલા પુસ્તક ‘મારી લિવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા – થર્ડ ઈનીંગ’નું વિમોચન ભાારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે રા. સ્વ. સંઘના પ્રાંત પ્રચારક ચિંતનભાઈ ઉપાધ્યાય, ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પુસ્તકના સંપાદક કિશોરભાઈ મકવાણા, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, ડૉ. વિનિતભાઈ મિશ્રા અને ભાજપના મહામંત્રીઓ તેમજ અનેક શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સી. આર. પાટીલે જણાવ્યું કે “અત્યારે લીવર, કીડની, ચક્ષુ વગેરે જેવા અંગોની ખૂબ જરુર છે. આજે અનેક લોકો એવા છે જેઓને લીવર, કીડની, ચક્ષુ જેવા અંગોની જરૂરિયાત હોય છે. અંગદાન એ મોટામાં મોટું દાન છે. આથી અંગદાનની વૃત્તિ વધે એ ખૂબ જરુરી છે. અંગદાનને એક જન આંદોલન બનાવીને ઘણા જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકાય છે.”

નોંધનીય છે કે, 130 કરોડથી વધુ વસ્તી ધરાવતા આપણા દેશમાં દૈનિક ધોરણે અનેકવિધ કારણોસર હજારોની સંખ્યામાં લોકો અંતિમ શ્વાસ લે છે. તે ઉપરાંત દેશમાં હજારો એવા લોકો છે જેઓ માત્ર એકાદ અંગની પ્રતિક્ષા કરવામાં જીવન-મૃત્યુ વચ્ચે ઝોલાં ખાતા હોય છે. મૃત્યુ પામી રહેલા કે પછી મૃત્યુની અંતિમ ઘડી ગણી રહેલા લોકોને જો સમયસર બ્રેઇનડેડ થયેલા લોકોનું એક અંગ પણ મળી જાય તો તેને નવજીવન પ્રાપ્ત થાય છે. તેથી જ દિલીપભાઇ દેશમુખનો ‘અંગદાન મહાદાન’નો સંકલ્પ જીવનની અંતિમ ઘડી ગણનારા અનેક લોકોને નવજીવન બક્ષી શકે છે.