Site icon Revoi.in

“માનવ શરીર એક નહીં પણ 100 જેટલી વેક્સિન લઈ શકાય તેવી ક્ષમતા ધરાવે છે : ડો. મૌલિક શાહ

Social Share

અમદાવાદ, તા.01 મે, 2021: વર્તમાનમાં જ્યારે સમગ્ર દેશ કોરોનાની મહામારીમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે આ મહામારીથી ખુદને સુરક્ષિત રાખવા માટે રસીકરણ એ હાલમાં એકમાત્ર ઉપાય છે. આ જ દિશામાં, આજે 1 મેથી ગુજરાત સહિત આખા દેશમાં 18 થી 44 વયજૂથના લોકોનું રસીકરણ શરૂ થવા જઈ રહ્યું છે, આ મહાઝુંબેશ દરમિયાન જેમનું રસીકરણ થવાનું છે એ યુવાઓના અને એમના પરિવારજનોમાં રસીકરણને લઇને અનેક પ્રશ્નો કે મુંઝવણ હોઇ શકે છે ત્યારે રસીકરણ શરૂ થાય એ પહેલા જ તેઓના આ પ્રશ્નોના ઉત્તરો મળી જાય તો તેઓ કોઇપણ પ્રકારના ડર વગર રસીકરણ કરાવી ખુદને તેમજ અન્યને પણ સુરક્ષિત કરી શકે.

યુવાઓના આ જ પ્રશ્નોના ઉત્તર માટે આજ રોજ શનિવારે, 1 મેના રોજ બપોરે 12.00 વાગ્યે મહત્વપૂર્ણ પેનલ ચર્ચાનું વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનના નેજા હેઠળ NIMCJ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ ચર્ચામાં નેશનલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ(NIMCJ), અમદાવાદના નિયામક ડો. શિરીષ કાશીકરની સાથે જામનગરની શ્રી એમ. પી. શાહ મેડિકલ કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડો. મૌલિક શાહ અને અમદાવાદનાં મહિલા રોગ તજજ્ઞ ડો. ચૈતસી શાહ પેનલિસ્ટ તરીકે જોડાયા હતા.

આ કાર્યક્રમનું સંસ્થાના ફેસબુક પેજ પરથી લાઇવ પ્રસારણ કરાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો અને રાજ્યની મીડિયા શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ આ ડિજિટલ માધ્યમથી કાર્યક્રમમાં સામેલ થયા હતા, બંને ડોકટર પેનલિસ્ટને ઘણા સવાલો સંસ્થાના નિયામકશ્રી તરફથી પૂછવામાં આવ્યા હતા, જેના તેમણે સવિસ્તાર અને સરળ ભાષામાં ઉત્તર આપ્યા હતા.

ડો. મૌલિક શાહે સૌથી પહેલા હર્ડ ઇમ્યુનિટી વિશે વાત કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે કોઈ એક પ્રદેશ કે વિસ્તારના 70 ટકા લોકો જો ઇમ્યુનિટી મેળવી લે, અથવા વેકસિનેટ થઈ જાય તો હર્ડ ઇમ્યુનિટી મેળવી શકાય અને આના પછી રોગચાળો તે વિસ્તારમાં પોતાની અસર ફેલાવી શકતો નથી.

આ સિવાય અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે રસીની ડેવલપમેન્ટ પ્રોસેસથી લઈને તેને પહેલા પ્રાણીઓ જેવા કે ઉંદર અને વાનરો પછીથી ત્રણ વિભિન્ન ટ્રાયલના અંતે માનવશરીર સુધી પહોંચાડવામાં આવે છે તેની વાત કરી હતી, સાથે જ તેમણે જણાવ્યું હતું કે ભારતમાં હાલ જે બે રસીને મંજૂરી અપાઈ છે, તેમના ટ્રાયલ કરાયા છે અને તેમની સુરક્ષિતતાના માપદંડોની ચકાસણી પછી જ તેમને ઇમરજન્સી યુઝ એપ્રૂવલ આપવામાં આવી છે.

અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં પેનલિસ્ટોએ જણાવ્યું હતું કે કોરોના વાયરસ mRNA વાયરસ છે જે સ્પાઈક પ્રોટીન ધરાવે છે, તેના સ્ટ્રેઇન હોય છે જે વાયરસના સંક્રમણના ત્રણ વિવિધ સ્ટેજમાં લોકોના સંપર્કમાં આવ્યા પછી તેની જૈવિક રચનામાં ફેરફાર થતા હોય છે, જેને સ્ટ્રેઇન કહેવાય છે, એક ખાસ વાતમાં તેમણે કહ્યું હતું કે આવા 200થી પણ વધુ મ્યુટેશન હોઈ શકે છે, પણ હાલ ચાર સ્ટ્રેઇન વધુ ચર્ચામાં છે.

આની સાથે જ કોઈ ગંભીર એલર્જી વાળા વ્યક્તિએ વેક્સિન લેવી કે કેમના એક પ્રશ્નના જવાબમાં ડૉ ચૈતસી શાહે કહ્યું હતું કે આના માટે ડોકટરની સલાહ લેવી જોઈએ, કેમ કે વેક્સિનમાં વપરાયેલા કોઈ તત્વની સાથે જો એલર્જી હોય તો તકલીફ થઈ શકે છે. આ સિવાય સાદી એલર્જી વાળા દરેકને રસી લેવી હિતાવહ છે. આવા રસીકરણ સંબંધિત અનેક પ્રશ્નોના બન્ને તજજ્ઞોએ જવાબ આપ્યા હતા.

અહીંયા દર્શાવેલી લિંક પર ક્લિક કરીને તમે આ કાર્યક્રમનું ફેસબુક પ્રસારણ જોઈ શકશો – https://www.facebook.com/NIMCJ.Official/videos/383508932782095

(સંકેત)

Exit mobile version