Site icon Revoi.in

આગામી દિવસોમાં ગુજરાતના આ વિસ્તારોમાં વરસી શકે માવઠું

Social Share

અમદાવાદ: ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું જોર ઘટી રહ્યું છે ત્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 18 અને 19 ફેબ્રુઆરીના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે અને વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદની આગાહી કરી છે. ઉત્તર કોંકણ અને વિદર્ભમાં એક સાયક્લોનિક સર્ક્યૂલેશન સર્જાશે. જેને કારણે આગામી 18 અને 19 ફેબ્રુઆરીના રોજ તાપી અને ડાંગના વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.

બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, 18 થી 21 ફેબ્રુઆરીમાં હવામાન કથળવાના યોગ છે.

18થી 21માં અરબી સમુદ્ર તરફથી ભેજ વાળા વાદળો ગુજરાત ના કેટલાક ભાગોમાં આવવાથી માવઠું થવાની શકયતા છે. વધુ ભેજ વાળા વાદળો હશે તો ડાંગ, વલસાડ, તાપી, સાપુતારા તેમજ પંચમહાલ, દાહોદ, મહીસાગર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે. તેમજ અરવલ્લી, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્ર વાતાવરણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 21થી 23 ફેબ્રુઆરીમાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમ વર્ષા અને કમોસમી વરસાદ થવાની શકયતા રહેતા સવારમાં ઠંડા પવન ફૂંકાશે.

રાજ્યમાં ઉત્તર-ઉતરપૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. એક દિવસમાં બે ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોર થતા ગરમનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે, બે દિવસથી વહેલી સવારે ધૂમમ્સ પણ જોવા મળે છે. બેવડી ઋતુના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વારંવાર વાતાવરણમાં પલટાને કારણે કૃષિ પાક પર અસર થઈ રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે. તાપમાનમાં 2થી 3 ડીગ્રીનો વધારો થશે.

મહત્ત્વનું છે કે, રાજ્યમાં તાપમાન ઉંચું નોંધાતા ઠંડીનું જોર ઘટ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) આગાહી કરી હતી કે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં 14થી 16 ફેબ્રુઆરીમાં હિમ વર્ષા થવાની શકયતા રહેતા ગુજરાતમાં સવારે ઠંડા પવન ફૂંકાય.તેમજ 20 ફેબ્રુઆરીથી ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે.

(સંકેત)