Site icon Revoi.in

કોરોનાના કેસ ફરી વધતા દ્વારકાધીશ મંદિરના દ્વાર હોળી પર 3 દિવસ રહેશે બંધ

Social Share

અમદાવાદ: રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે ત્યારે જગત મંદિર દ્વારકાએ મહત્વનો નિર્ણય લીધો છે. દ્વારકા મંદિર 27 થી 29 માર્ચ સુધી બંધ રાખવામાં આવશે. દ્વારકા મંદિરના સંચાલક, જીલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ સાથે પરામર્શ કરી મંદિર ફુલડોલોત્સવ દરમિયાન મંદિરમાં પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આપને જણાવી દઇએ કે, 28મી તારીખે હોળીનો પવિત્ર પર્વ છે. જેના કારણે ફુલડોલોત્સવની ઉજવણીમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો દ્વારકા આવતા હોય છે. પરંતુ કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હોળીના પાવન પર્વે દ્વારકા મંદિરમાં દર્શન માટે ચારથી પાંચ દિવસમાં 2 લાખથી વધુ યાત્રાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. જેના કારણે મંદિરમાં કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થઇ શકે છે અને કોરોના વકરી પણ શકે છે. જેથી ત્રણ દિવસ સુધી મંદિરમાં પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કાળિયા ઠાકોરના દર્શનાર્થે ફૂલડોલ ઉત્સવની ઉજવણી માટે પદયાત્રા કરીને આવતા કૃષ્ણ ભક્તો માટે સમગ્ર પંથકમાં ખૂબ મોટી સંખ્યામાં સેવા કેમ્પો ચાલુ કરવામાં આવે છે. જે પણ આ વખતે બંધ રહેશે.

કોરોના સંક્રમણની વાત કરીએ તો, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 555 નવા કેસ નોંધાયા છે. જ્યારે 482 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4416 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 266313 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

(સંકેત)